સુરત : સ્પોર્ટ્સ કાર્નિવલમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત, બાળકો સાથે લખોટી-આંધળો પાટો રમ્યા

રાજ્યભરમાં રમત-ગમતને લઈને ઉત્સાહનો માહોલ, ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો સ્પોર્ટ્સ કાર્નિવલ

Update: 2022-09-18 08:40 GMT

ગુજરાત સરકાર દ્વારા 36મી નેશનલ ગેમ્સની તૈયારીના ભાગરૂપે રાજ્યભરમાં રમત-ગમતને લઈને ઉત્સાહનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં રાજ્યના ગૃહ અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત શહેરના વેસુ વિસ્તારમાં રાજ્યના ગૃહ અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલ સ્પોર્ટ્સ કાર્નિવલ દરમ્યાન વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ટેકનોલોજીના યુગમાં બાળકો મોબાઇલ અને કોમ્પ્યુટર પર વધુ સમય પસાર કરી રહ્યા છે. જેના કારણે સ્પોર્ટ્સ તરફ બાળકો આકર્ષાતા નથી. જેથી તેઓ શારીરિક અને માનસિક રીતે પણ નબળા થઈ રહ્યા છે. બાળકોમાં કોથળા દોડ, લીંબુ ચમચી, ભમરડા અને લખોટી જેવી રમતોને લઈને ઉત્સાહ વધે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બાળકો સાથે લખોટી અને આંધળો પાટો જેવી રમતો રમીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તા. 29 તારીખે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી તેનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ગુજરાતે માત્ર 90 દિવસના ટૂંકા ગાળામાં જ નેશનલ ગેમ્સ માટેની તૈયારી કરી લીધી છે. આ પ્રકારના આયોજનથી માત્ર સ્પોર્ટ જ નહીં, પરંતુ, મ્યુઝિક અને આર્ટ સાથે જોડાયેલા અનેક લોકો માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં મદદ થઈ છે.

Tags:    

Similar News