સુરેન્દ્રનગર : ચોટીલા દર્શન કરી પરત ફરતા દર્શનાર્થીઓને નડ્યો અકસ્માત, એક જ પરિવારના 7 સભ્યોનું કરૂણ મોત

Update: 2020-11-21 08:20 GMT

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેરવા ગામ નજીક માલવણ હાઇવે પર કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, ત્યારે આગ લાગતા કારમાં સવાર એક જ પરિવારના 7 સભ્યોનું કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ખેરવા ગામ નજીક માલવણ હાઇવે પર કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારને ડમ્પરે ટક્કર મારી અડફેટમાં લેતા કારમાં ભયાનક આગ લાગી હતી, ત્યારે આગ લાગતાની સાથે જ કારમાં સવાર 7 જેટલા લોકોનું ભડથું થઈ જતા કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલાનો આબાદ બચાવ થયો છે.

ગત તા. 20 નવેમ્બરના રોજ ચોટીલાથી દર્શન કરીને પરત ફરતા મોડી રાત્રે પરિવારના સભ્યોને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામ મૃતકો પાટણ જિલ્લાના નાનાપુરા ગામ અને સાંતલપુર તાલુકાના કોરડા ગામે રહેતા નાઇ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. કમનસીબે મોતને ભેટનાર તમામ 7 લોકો એક જ પરીવારના સભ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ગમખ્વાર અકસ્માતમાં 2 પરીવારોના તમામ સભ્યોએ જીવ ગુમાવ્યા છે.

જેમાં તસ્વીરમાં જણાતા એક જ પરીવારના 4 સભ્યો, જે સાંતલપુરના કોરડા ગામે રહેતા પતિ રમેશભાઈ નાઈ, પત્ની કૈલાષબેન નાઈ, પુત્રી મિતલ નાઈ અને પુત્ર શન્ની નાઈનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 લોકો નાનાપુરા ગામના એક જ પરીવારના સભ્યો છે, જેમાં પતિ હરેશભાઇ નાઈ, પત્ની તેજશબેન નાઈ અને પુત્ર હર્ષદ નાઈનો સમાવેશ થાય છે. જ્યારે અકસ્માતમાં આબાદ બચાવ થયેલ મહિલાને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવી છે. હાલ તો અકસ્માત અંગે સુરેન્દ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News