વડોદરા : પોલીસની મદદ માટે નિવૃત લશ્કરી જવાનોની યાદી તંત્રને મોકલાય

Update: 2020-04-06 11:30 GMT

લોકડાઉનના સમયમાં પોલીસ તેમજ વહીવટીતંત્રને મદદરૂપ થવા માટે વડોદરા સહિત ચાર જિલ્લાઓના સેનાની ત્રણેય પાંખના 50થી ઓછી ઉંમરના 1,410 નિવૃત્ત જવાનોની યાદી જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્રને મોકલવામાં આવી છે.

હાલના કોરોના સંકટને અનુલક્ષીને રાજ્યના પોલીસ વડાએ લશ્કરી તાલીમ ધરાવતા અને શિસ્તને વરેલા પૂર્વ સૈનિકો હાલની કટોકટીમાં પોલીસ તંત્રને મદદરૂપ બને એવો અનુરોધ કર્યો છે. તેમણે ખાસ કરીને જેમની ઉંમર 50 થી ઓછી છે એવા અને સારી તંદુરસ્તી ધરાવતા પૂર્વ સૈનિકો સેવા માટે આગળ આવશે એવી અપેક્ષા વ્યક્ત કરી છે.ઉપરોક્ત જાણકારી આપતાં વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વાસ અધિકારી વેટેરન વિંગ કમાંડર અરૂપકુમાર રોયે જણાવ્યું કે અમારા પૂર્વ સૈનિકો હાલના સંજોગોમાં જે કોઈ ફરજ સોંપાય એ રીતે સેવા કરવા તત્પર છે.

અમે 50 વર્ષથી ઓછી ઉંમરના પૂર્વ સૈનિકોની જિલ્લાવાર યાદી બનાવી છે.તેમાં વડોદરાના 964,ખેડાના 293, આણંદ ના 108 અને છોટાઉદેપુરના 45 જવાનોનો સમાવેશ થાય છે.તેમાં સેનાની ત્રણેય પાંખના જવાનો છે.આ જવાનોની યાદી જે તે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને મોકલી આપવામાં આવી છે.જામનગરમાં પૂર્વ સૈનિકોને જરૂરતમંદ વડીલ વૃદ્ધજનો સાથે સંકલન કરીને એમને જરૂરી સાધન સામગ્રી અને સેવા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે અને એ પ્રયોગ સફળ થયો છે.વડોદરામાં ડભોઇ પોલીસ દ્વારા નાકાબંધી માટે નિવૃત્ત જવાનોનો સહયોગ માંગવામાં આવ્યો છે.

Similar News