વડોદરા : રેલ્વે કર્મીઓએ તેમના મજબૂત નેતા ગુમાવ્યા, WRMSના મહામંત્રી જે. જી. માહુરકરનું નિધન

Update: 2020-09-08 06:18 GMT

વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના મહામંત્રી અને નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેન(NFIR)ના ઉપાધ્યક્ષ જે. જી. માહુરકરનું રવિવારે મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું છે. રેલવે મજદૂર સંઘના અગ્રણી શરીફ ખાને જણાવ્યું હતું કે, ટ્રાઈકલર હોસ્પિટલ દ્વારા સમયસર સારવાર આપવામાં ન આવતા દાદાનું નિધન થયું છે. તેમને સારવાર મળી ગઇ તો તો આજે તેઓ જીવિત હોત. આ અંગે દિવ્યભાસ્કરે ટ્રાઈકલર હોસ્પિટલનો સંપર્ક કરતા હોસ્પિટલના CEO ઇન્દ્રજીત મીટિંગમાં હોવાના કારણે સંપર્ક થઇ શક્યો નહોતો.

રેલવે મજદૂર સંઘના અગ્રણી શરીફ ખાને જણાવ્યું હતું કે, મોડી રાત્રે 12:30 વાગ્યે દાદાના પરિવારમાંથી મને ફોન આવ્યો હતો. દાદાને ગભરામણ થાય છે. જેથી હું તેમના ઘેર પહોંચી ગયો હતો. તુરંત જ અમે તેઓને રેલવે સાથે ટાઇઅપ થયેલી ટ્રાઈકલર હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં 30થી 35 મિનિટ સુધી ફરજ પરના તબીબો અને સ્ટાફ દ્વારા દાદાને હોસ્પિટલમાં દાખલ ન કરતા દાદાએ કારમાં જ અંતિમ અંતિમ શ્વાસ લીધા હતા.

તેઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, રેલવેના ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. બહ્મપ્રકાશ સાથે પણ વાત કરીને ટ્રાઈકલર હોસ્પિટલમાં અપોઇમેન્ટ લખાવી હતી. તેમ છતાં ફરજ પરના તબીબો અને સ્ટાફ દ્વારા હોસ્પિટલનો દરવાજો ખોલવામાં આવ્યો ન હતો અને અમને હોસ્પિટલમાંથી બહાર કાઢવા માટે સિક્યુરિટીને બોલાવી હતી. જેના કારણે દાદાને સમયસર સારવાર ન મળતા તેમનું નિધન થયું હતું અને ડોક્ટરોને ખબર પડી કે દાદાનું નિધન થઇ ગયું છે, ત્યારે તુરંત જ તેઓ હોસ્પિટલમાંથી રવાના થઇ ગયા હતા.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, 1977થી વેસ્ટર્ન રેલવે ડિવિઝનલ સેક્રેટરી તરીકે હોદ્દો સંભાળ્યા બાદ છેલ્લા 5 દાયકાથી તેઓ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના હોદ્દાઓ પર કાર્યરત રહ્યા હતા અને છેલ્લે તેઓ મહામંત્રી પદે કાર્યરત હતા. આ ઉપરાંત તેઓ નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેન(NFIR)ના ઉપાધ્યક્ષ પદે પણ કાર્યરત હતા. તેઓ હંમેશા રેલવેના કર્મચારીઓના હિત માટે લડતા આવ્યા હતા. રેલવેનું ખાનગીકરણ ન થાય તે માટે તેઓ સતત લડી રહ્યા હતા. તેઓએ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનો પણ વિરોધ કર્યો હતો અને તેઓ કહેતા હતા કે, બુલેટ ટ્રેનમાં જે ખર્ચ થવાનો છે, તે રૂપિયા રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ વાપરવા જોઇએ. રેલવે એન્જિનો અને વેગનો બનાવવા પાછળ ખર્ચ થવો જોઇએ.

વડોદરા શહેરના નટુભાઇ સર્કલ પાસે આવેલા શિવનેરી એપાર્ટમેન્ટમાં જે.જી. માહુરકર પરિવાર સાથે રહેતા હતા. તેમના નિધનના સમાચાર રેલવેમાં પ્રસરી જતા DRM સહિત ઉચ્ચ અધિકારીઓ તેમના નિવાસસ્થાને દોડી આવ્યા હતા. આ ઉપરાંત દેશના વિવિધ ખુણાઓમાંથી પણ રેલવેના અધિકારી તેમજ રેલવે યુનિયનના અગ્રણીઓ વડોદરા આવવા માટે રવાના થયા છે. કોવિડની મહામારીને ધ્યામાં રાખીને લોકોને પરિવારે લોકોને આવવા માટે ના પાડી છે. પણ લોકોની લાગણીને અમે રોકી શકતા નથી. દિલ્હી ખાતે રહેતા તેમના પુત્ર વડોદરા આવવા નીકળી ગયા છે. આજે બપોરે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવે છે.

Tags:    

Similar News