પંચમહાલ : કાલોલના વ્યાસડા ગામે વિજકંપની સામે ખેડૂતોમાં રોષ, 15 દિવસથી ટ્રાન્સફોર્મર રીપેર કરવામાં અખાડા

પંચમહાલના કાલોલ તાલુકાના વ્યાસડા ગામમાં છેલ્લા પંદર દિવસથી ખેતીવાડી લાઈનની સળગી ગયેલી ડીપીના સમારકામ અંગે વેજલપુર એમ.જી.વી.સી.એલ.વિભાગની ઘોર ઉદાસીનતા

Update: 2021-08-10 16:33 GMT

કાલોલ તાલુકાના વ્યાસડા ગામમાં ખેતીવાડી વીજ પુરવઠા લાઈનની એક ડીપીમાં પંદર દિવસ અગાઉ પ્રિમોનસૂન કામગીરીના અભાવે મોટો ફોલ્ટ સર્જાયો હતો અને આ ફોલ્ટને કારણે ડીપી સળગી ઉઠયા પછી સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. જે ડીપીના ફોલ્ટ અને બંધ પડેલા વીજ પુરવઠા અંગે સ્થાનિક ખેડૂતોએ નજીકના વેજલપુર સબ સ્ટેશન પર ફરીયાદ કરવા છતાં પણ વેજલપુર સબ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ દ્વારા છેલ્લા પંદર દિવસથી બંધ પડેલી ડીપીનું સમારકામ કરવાની અને વીજ પુરવઠો યથાવત કરવાની પરવા કરી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પંદર દિવસથી વરસાદે વિરામ લીધો હોવાથી વરસાદના અભાવે ચોમાસું પાકો સુકાઈ રહ્યા છે અને બીજી તરફ ડીપીમાં ખામી સર્જાતા છેલ્લા પંદર દિવસથી વીજ પુરવઠો ખોરવાઇ જતાં ખેડૂતો માટે સિંચાઈ કુવાઓનો પણ વિકલ્પ રહ્યો નથી. જેથી વરસાદ અને વીજ પુરવઠા વિના ખેડૂતોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી બની ગઈ છે. જેથી ચોમાસું પાકોના જીવતદાન માટે કુવાઓના પાણીનો વિકલ્પ માટે એમ.જી.વી.સી.એલ. વિભાગ દ્વારા સત્વરે ડીપીનું સમારકામ કરી વીજ પુરવઠો યથાવત કરવામાં આવે તેવી ખેડૂતોની લોકમાંગ ઉઠવા પામી છે. કાલોલ વિસ્તારમાં એકતરફ તંત્ર દ્વારા કિસાન સન્માન દિવસની ઉજવણી કરી એમ.જી.વી.સી.એલ. વિભાગ દ્વારા કિસાન સર્વોદય યોજનાની વાતો કરી દિવસે વીજ પુરવઠો આપવાની બાંહેધરી આપવામાં આવે છે ત્યારે બીજી તરફ એમ.જી.વી.સી એલ. તંત્રની બેદરકારી અને ઉદાસીનતાએ કારણે છેલ્લા પંદર દિવસોથી ખેતીવાડીનો વીજ પુરવઠો ખોરવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે. તદ્ઉપરાંત એક સળગી ગયેલી ડીપીનું સમારકામ કરવાની તંત્રને ફુરસદ નથી એ અંગે એમ.જી.વી.સી.એલ. વિભાગની બેદરકારી અને ઉદાસીનતા સામે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો.

Tags:    

Similar News