"ગૌરવ" : વડોદરાના કલાકારો કોંગોમાં બનાવી રહ્યાં છે દુનિયાની અજાયબી, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સે આપ્યું પ્રમાણપત્ર

વડોદરા શહેરના કલાકારોએ કોંગોમાં મધર મેરીની 50 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે.

Update: 2022-02-11 08:27 GMT

વડોદરા શહેરના કલાકારોએ કોંગોમાં મધર મેરીની 50 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે. કાતેબી કોલવેઝી શહેરમાં આવેલા વિશાળ તળાવમાં આ પ્રતિમા મુકવામાં આવશે. આ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સે નોંધ લઈને હાલમાં જ વડોદરાના કલાકરોને પ્રમાણપત્ર આપ્યું છે.

કોંગોના કાતેબી કોલવેઝી શહેરના વિશાળ તળાવમાં મધર મેરીની પ્રતિમા મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વડોદરા શહેરના આર્ટ ક્યૂરેટર સચિન કાલુસ્કર, મહર્ષિ પંચાલ, અજિંક્ય બારડે, જનક પંચાલ, વિનોદ પરમાર, ભાવેશ પંચાલ અને જગદીશ વસાવાએ સાથે મળી મધર મેરીની 50 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે. આ પ્રોજેક્ટ માટે હાલમાં જ કોંગોમાં એક કેમ્પ પણ કરવામાં આવ્યો હતો. આ પ્રતિમા બનાવવા માટે વડોદરાના કલાકારો આગામી 3 મહિના સુધી કોંગોમાં જ રહેશે. જોકે, આ પ્રતિમા એક ખાનગી પેઢી દ્વારા બનાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટને લઇને વડોદરાના કલાકારો ઘણા જ ઉત્સાહિત છે. કારણ કે, તેઓ ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોને પ્રવાસનનું હબ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

જોકે, અન્ય આફ્રિકન દેશો સહિત વિશ્વભરના લોકો અહીં મધર મેરીની સૌથી ઊંચી પ્રતિમાની ઝલક જોવા માટે આવનાર છે, ત્યારે આ પ્રતિમાને બનાવવા માટે વડોદરાના કલાકારો દ્વારા હેવી મેટલ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સાથે તેમા ફાઈબર ગ્લાસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રતિમાની આસપાસ મનોરંજનની સગવડો લાવવાની યોજનાઓ હાલમાં ચાલી રહી છે. જેના કારણે ત્યા એક પ્રકારની રોજગારીની તકો પણ ઉભી થશે. આ સાથે જ મધર મેરીની પ્રતિમા પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે, ત્યારે આવનારા સમયમાં દેશ અને દુનિયાને કઇક નવું બતાવવાનો વડોદરાના કલાકારોને અવસર મળ્યો છે, જેથી કહી શકાય કે, હવે વિશ્વભરમાં ભારત અને તેમાં પણ ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે.

Tags:    

Similar News