વડોદરા : એક જ ઘરમાંથી 3 વાર માત્ર મહિલાના ચપ્પલની ચોરી, ચપ્પલ ચોરવા આવતો તસ્કર CCTVમાં કેદ

માંજલપુરની સુર્યદર્શન ટાઉનશીપમાંથી ચપ્પલની ચોરી એક જ મકાનના કમ્પાઉન્ડમાંથી 3 વાર ચપ્પલની ચોરી

Update: 2022-11-29 11:58 GMT

તમને વિશ્વાસ નહીં આવે કે, મોડી રાત્રે તસ્કર માત્ર ચપ્પલ ચોરવા માટે જ આવ્યો હોય. જી હા... વડોદરા શહેરના માંજલપુર વિસ્તારની એક સોસાયટીમાંથી છેલ્લા 6 મહિનામાં 2 વાર તસ્કરે માત્ર મહિલાના જ ચપ્પલની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. રહીશે ઘરના કપાઉન્ડમાં CCTV કેમેરા લગાવતા ત્રીજી વાર ચપ્પલ ચોરવા આવેલ તસ્કરની કરતૂતો કેદ થઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી સુર્યદર્શન ટાઉનશીપમાં રહેતા કેતન પંડ્યાના ઘરેથી થોડા વર્ષ પહેલા તેમની દિકરીની સાયકલ ચોરી થઈ હતી. જોકે, તેમણે આ વિશે ફરિયાદ નોંધાવી ન હોતી. હવે જ્યારે છેલ્લા 6 મહિનાથી તેઓના ઘરની બહાર મૂકેલા ચપ્પલ સ્ટેન્ડમાંથી 2 વાર ચપ્પલ ચોરી થઈ છે, ત્યારે કેતન પંડ્યાએ ઘરના કપાઉન્ડમાં CCTV કેમેરા લગાવ્યા હતા. ગત બુધાવારે સવારે તેમની પત્નીએ સ્ડેન્ડમાં ચપ્પલ શોધ્યા તો તેમને મળ્યા નહોતા. જેથી તેમણે CCTV ચેક કરતા તેમાં એક વ્યક્તિ દેખાયો હતો. જે મોપેડ લઈને સોસાયટીમાં આવ્યો હતો, અને કેતન પંડ્યાના ઘરની થોડે આગળ મોપેડ ઉભુ રાખી કપાઉન્ડની દિવાલ પર ચઢીને તે ચપ્પલ લઈને જતો રહ્યો હતો. આમ, કેતન પંડ્યાના ઘરેથી 3 વાર ચપ્પલ ચોરી થયા હતા. આ તમામ વખત તસ્કરે મહિલાઓના જ ચપ્પલ ચોર્યા હતા. ગત મંગળવારની રાત્રે જે ચપ્પલ ચોરી થયા તે ચપ્પલની કિંમત 400 રુપિયા હતી. વારંવાર એક જ ઘરમાંથી ચપ્પલ ચોરી થાય છે, અને તેમાં પણ માત્ર મહિલાના જ ચપ્પલ ચોરી થતા હોવાથી વિસ્તારમાં આ કુતુહલનો વિષય બન્યો છે, ત્યારે હાલ તો પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Tags:    

Similar News