વડોદરા : લીલોરા ગામેથી સાત દિવસીય બાળકના અપહરણના ગુનાનો ભેદ ઉકેલાયો

શિશુનું અપહરણ કરી તેને ચાર લાખ રૂપિયામાં આર્મી જવાનને વેચી દેવાયું હતું. આર્મી જવાનને સંતાન નહિ હોવાથી તેણે નવજાત શિશુ મેળવવા ટોળકીનો સંપર્ક કર્યો હતો.

Update: 2021-10-27 13:17 GMT

વડોદરા જિલ્લાના વાઘોડિયાના લીલારો ગામથી લાપત્તા બનેલું નવજાત શિશુ બિહારમાંથી સહીસલામત રીતે મળી આવ્યું છે. આ શિશુનું અપહરણ કરી તેને ચાર લાખ રૂપિયામાં આર્મી જવાનને વેચી દેવાયું હતું. આર્મી જવાનને સંતાન નહિ હોવાથી તેણે નવજાત શિશુ મેળવવા ટોળકીનો સંપર્ક કર્યો હતો.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ નજીક આવેલા ભાવનગરપુરામાંથી ગુમ થયેલું 7 દિવસનું નવજાત શિશુ બિહારથી સલામત મળી આવ્યું છે. નવજાત શિશુને બાળકો વેચતી ટોળકીએ ચાર લાખ રૂપિયામાં બિહારના આર્મીના જવાનને વેચી માર્યું હતું. પોલીસે ટેકનીકલ સર્વેલન્સ તથા હયુમન ઇન્ટેલીજન્સની મદદથી નવજાત શિશુ ગુમ થવાના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે નવજાત શિશુને ખરીદનાર બિહાર દંપત્તિ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. તારીખ 20મી ઓકટોબરના રોજ નવજાત શિશુ તેની માતા સાથે મીઠી નીંદર માણી રહયુ હતું ત્યારે રાત્રિના સમયે તે લાપત્તા બની ગયું હતું. વડોદરા ગ્રામ્ય એસપી ડૉ. સુધીર દેસાઇના માગદર્શન હેઠળ ડીવાયએસપી કલ્પેશ સોલંકી તથા તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના પણસી ગામના રહેવાસી કલ્પેશ રમણસિંહ રાઠોડની હિલચાલ શંકાસ્પદ લાગી હતી. જે પોલીસે તેને પકડીને પૂછપરછ કરતા આખા કૌભાંડનો પર્દાફાશ થયો છે.

મુળ બિહારના આર્મી જવાનને ત્યાં શેર માટીની ખોટ હતી. આ શેર માટીની ખોટ પુરવા માટે તેમણે પણસીના કલ્પેશ રાઠોડનો સંપર્ક કર્યો હતો. આર્મી જવાને નવજાત શિશુના બદલામાં સારી એવી રકમ આપવાની ઓફર કરતાં કલ્પેશ રાઠોડ નવજાત શિશુની શોધમાં લાગી ગયો હતો. તેને વડોદરામાં રહેતા પ્રવિણ ચુનારા અને દક્ષાચુનારાનો સંપર્ક કર્યો હતો અને બાળક લાવી આપવા માટે પૈસા આપવાની વાત કરી હતી.પ્રવિણે બાળક મેળવવા માટે કોટંબીમાં રહેતા કાળીદાસ દેવીપૂજકનો સંપર્ક કર્યો હતો. કાળીદાસ અગાઉ ચોરીઓના ગુનાઓમાં ઝડપાઇ ચૂક્યો છે અને તેની સામે ઘણા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. કાળીદાસ દેવીપૂજક અને રમણ રાઠોડિયાએ ભાવનગરપુરા ગામમાં રાત્રી દરમિયાન આ બાળકનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ બાળકને પ્રવિણ અને કલ્પેશ મારફતે આર્મીના જવાન નરેન્દ્ર રંજનને આપ્યું હતું. જેને લઇને તેઓ બિહાર જતા રહ્યા હતા. કલ્પેશની પૂછપરછમાં તેને બાળક બિહારમાં હોવાનું જણાવ્યું હતું.

પોલીસે બિહારના આર્મી જવાન અને તેની પત્નીને પણ આરોપી બનાવ્યાં છે. દંપતીને 13 વર્ષનું લગ્ન જીવન દરમિયાન સંતાન સુખ ન મળતા બે વખત આઇવીએફ પદ્ધતિથી બાળક મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ક્યાંય સફળતા ન મળતાં છેવટે બાળક મેળવવા માટે આ રસ્તો અપનાવ્યો હોવાની તેમણે કબુલાત કરી છે. વડોદરા ગ્રામ્ય પોલીસની ટીમને બાળકને હેમખેમ પરત મેળવવામાં સફળતા મળી છે.

પુનમભાઇ દેવીપુજકની પત્નીએ 15મી ઓકટોબરના રોજ જરોદની રેફરલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. 16 ઓક્ટોબરના રોજ સાંજે સંગીતાબેનને રેફરલ હોસ્પિટલમાંથી રજા મળતાં પોતાના ઘરે આવ્યાં હતાં. આ દરમિયાન રાત્રિના બે વાગ્યાની આસપાસ તાજું જન્મેલું 7 દિવસનું બાળક લાપત્તા બની ગયું હતું. વડોદરા ગ્રામ્ય પોલીસે બાળકને હેમખેમ તેના પરિવારને પરત સોંપ્યું છે. બાળક અને પરિવારના મિલન સમયે ભાવુક દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

Tags:    

Similar News