ચીનમાં છેલ્લા 1000 વર્ષ પછીનો સૌથી વધુ વરસાદ, હોસ્પિટલોમાં ભરાયા પાણી

ચીનમાં ભારે વરસાદથી હેનાન પ્રાંતમાં લગભગ 3 મિલિયન લોકોને અસર થઈ છે અને કુલ 3,76,000 સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

Update: 2021-07-23 05:50 GMT

ચીનના એક હજાર વર્ષ બાદ ભારે વરસાદમાં મૃત્યુઆંક વધીને 33 પર પહોંચી ગયો છે જ્યારે આઠ લોકો ગુમ થયા છે. પૂરગ્રસ્ત ઝેંગઝોઉ શહેરના અધિકારીઓ પૂરના પાણીથી હોસ્પિટલોમાં ફસાયેલા દર્દીઓ અને તબીબી કામદારોને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. પ્રાંતીય ઇમરજન્સી મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું હતું કે ભારે વરસાદથી હેનાન પ્રાંતમાં લગભગ 3 મિલિયન લોકોને અસર થઈ છે અને કુલ 3,76,000 સ્થાનિક લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

સરકાર દ્વારા સંચાલિત ઝિન્હુઆ સમાચાર એજન્સીએ ગુરુવારે અહેવાલ આપ્યો છે કે, ગંભીર પૂરના એક દિવસ બાદ અધિકારીઓએ પૂરના પાણીમાં પ્રવેશતા હોસ્પિટલોમાંથી દર્દીઓને બહાર કાઢવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો. હેનાનની ઘણી હોસ્પિટલો પૂરથી પ્રભાવિત થઈ છે અને દર્દીઓ, તેમના પરિવારો અને તબીબી કામદારો અંદર ફસાયા છે.

ફુવાઈ હોસ્પિટલમાં પૂરનું પાણી પ્રવેશ્યું છે. ગુરુવારે સવારે બચાવ કાર્યકરોએ દર્દીઓ, તેમના પરિવારો અને તબીબી કર્મચારીઓને અન્ય સ્થળોએ ખસેડવાનું શરૂ કર્યું. અત્યાર સુધીમાં લગભગ પાંચ હજાર લોકોને સ્થળાંતર કરાયા છે.

હોસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટ ગાઓ ચૂએનયુએ સિન્હુઆને કહ્યું કે, "1,075 દર્દીઓ, જેમાંથી 69ની હાલત ગંભીર છે, તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવારના સભ્યોની સંખ્યા આશરે 1,300 છે."

સિન્હુઆના અહેવાલ મુજબ, ભારે વરસાદને કારણે 2,15,200 હેક્ટરથી વધુ વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. આને કારણે લગભગ 1.22 અબજ યુઆન (લગભગ 1886 મિલિયન યુએસ ડોલર)નું સીધું આર્થિક નુકસાન થયું છે.

હવામાન વિભાગનું કહેવું છે કે વરસાદનો આ કહેર ભાગ્યે જ જોવા મળે છે. ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં 12.6 મિલિયનની વસ્તીવાળા પ્રાંતની રાજધાની ઝેંગઝોઉમાં જાહેર સ્થળો અને 'સબવે ટનલ' છલકાઇ છે.

ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ સંગ્રહિત પાણીને ડાયવર્ટ કરવા માટે એક હજાર વર્ષમાં પ્રથમ ભારે વરસાદ પછી નદીમાં પાણીના વધતા સ્તરની વચ્ચે એક ક્ષતિગ્રસ્ત ડેમને ઉડાવી દીધો હતો.

પૂરના કારણે સબવે સ્ટેશનો છલકાઇ જતા 12 લોકોના મોત અને પાંચ લોકો ઘાયલ થયા હતા. મંગળવારે રાત્રે ઝડપથી વધી રહેલા પૂરનું પાણી સબવે ટ્રેનમાં ઘુસી ગયું હતું, જેના કારણે મુસાફરો મોતને ભેટ્યા હતા. દિવાલ ધરાશાયી થતાં અન્ય બે લોકોનાં મોત નીપજ્યાં હતાં.

Tags:    

Similar News