અમદાવાદ : કિસાન બિલના વિરોધમાં કોંગ્રેસ આવી મેદાને, આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી

Update: 2020-09-24 13:10 GMT

દેશમાં ચાલી રહેલા કિસાન બિલના વિરોધમાં ગુજરાતભરમાં વિરોધ કાર્યક્રમો ધડાઈ રહ્યાં છે, ત્યારે આ મામલે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે નીવેદન આપતા કહ્યું હતું કે, સીમાની અંદર કોરોના અને બહાર ચીને ડેરો જમાવ્યો છે, ત્યારે 2014ની ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફીની વાત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ખેડૂતને નહીં વીમા કંપનીઓને સરકારે મદદ કરી છે તેવા પણ આક્ષેપ કરાયા હતા. ગુજરાતમાં આ વર્ષે સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના રદ્દ કરી છે. સાથે જ ભૂમિ અધિગ્રહણ બિલ લાવવામાં આવ્યું છે. જેનો ખેડૂતોએ વિરોધ કરતા હવે સરકાર ભૂમિ અધિગ્રહણ બિલ પણ ભૂલી ગઈ છે. તો સાથે જ GST બીલના કારણે વેપારીઓની પણ દશા બેઠી છે.

સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં સાંસદને બાયપાસ કરવા માટે 27 જેટલા ઓડિનન્સ લાવવામાં આવ્યા છે. કૃષિબીલ માટે રાજ્યસભામાં વોટિંગ કરાવવામાં ન આવ્યું, તો સાથે જ 12 રાજકીય પક્ષ કૃષિ બીલનો વિરોધ કરી રહ્યા હતા. તેવામાં સરકારને બિલ પાસ ન થવાનો ડર હતો, ત્યારે બીલમાં ક્યાંય MSPનો ઉલ્લેખ પણ કરાયો નથી. સરકાર ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે. સરકાર ખેડૂત વિરોધી ભૂમિકામાં છે.
એરપોર્ટ અને પોર્ટની જેમ ખેતી પણ ઉદ્યોગપતિઓના હાથમાં આપવાનો પ્રયાસ છે. દેશના કૃષિમંત્રીએ ક્યારેય ખેતી નથી કરી. તો પ્રધાનમંત્રીને પણ ખેતીમાં રુચિ નથી. કૃષિ બીલ દેશનો કાળો કાયદો છે, ત્યારે ગુજરાત અને દેશના ખેડૂતોના ન્યાય માટે વિરોધ સાથે કોંગ્રેસ પાર્ટી હમેશા સરકાર સામે લડત આપશે. જોકે આવનારા દિવસોમાં ગુજરાતમાં મોટા પાયે આંદોલન કરવામાં આવશે તેવું પણ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યુ હતું.

બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપના શાસનમાં જ ગુંડાઓ વધ્યા છે. CMએ ગૃહમાં જ સ્વીકાર્યું કે રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ છે. જેથી સરકારે આવા કાયદાઓ બનાવાની જરૂર પડી છે. કાયદાઓ તો પહેલાથી જ છે પણ તેની અમલવારી થતી નથી. સરકાર પોતાની નીષ્ફળતાઓ માટે કાયદા લાવી રહી છે.

Tags:    

Similar News