અરગામાની નેરોલેક કંપનીમાંથી 6 લાખની પાઇપ ચોરીમાં બે ઝડપાયા

Update: 2017-09-12 12:46 GMT

વાગરાનાં અરગામા કેમીકલ એસ્ટેટ ખાતે આવેલ નેરોલેક કંપની માંથી 6 લાખ રૂપિયાની 125 નંગ પાઇપ ચોરીની ઘટના બની હતી. વાગરા પોલીસે બે ઈસમોની ધરપકડ કરી છે.

વાગરા તાલુકાનાં અરગામા ગામની હદમાં નેરોલેક કંપનીનું બાંધકામ કાર્ય પ્રગતિમાં ચાલી રહયુ છે. કેમીકલ ઝોનમાં બનતી કંપનીનાં નિર્માણ કાર્યમાં જુદાજુદા કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે. નેરોલેક કંપનીનાં કેમ્પસમાં આવેલ ગોલ્ડન એન્જીનિયરિંગ ફિલ્ડના કંપાઉન્ડ માંથી ગત જૂન માસ દરમિયાન ચોરોએ છ લાખ રૂપિયાની અલગ અલગ સાઈઝની એસ.એસની 125 નંગ પાઇપો ચોરીને ફરાર થઈ ગયા હતા. જે અંગેની વાગરા પોલીસ મથકે બાલમુર્ગન કાલીદાસ કામચી રહે. ભંગાર કોલોની, બાયપાસ પાસે ભરૂચ,મૂળ રહે તમિલનાડુ નાઓએ ફરિયાદ નોંધાવી હતી.

તારીખ 11મી સપ્ટેમ્બરના રોજ વાગરા પોલીસે નેરોલેક કંપનીની પાઇપ ચોરીમાં બે તસ્કરોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. જયારે આ ચોરીમાં સંડોવાયેલ ઉત્તર પ્રદેશનો પરપ્રાંતીય ઈસમ હજી ફરાર છે. ચોરીમાં ઝડપાયેલા બે યુવકો પૈકી શબ્બીર મુહંમદ ગુલામ મલેક જંબુસર તાલુકાના દહેગામ ગામનો વતની છે.જે અગાઉ પણ વિલાયત જી.આઈ.ડી.સી માંથી થયેલ ભંગાર ચોરીમાં પણ તેનું નામ ખુલ્યુ હતુ.જયારે અન્ય ઈસમ ઇનાયત ઇકબાલ પટેલ ભરૂચ તાલુકાના કંથારીયા ગામની નેશનલ પાર્ક સોસાયટીનો રહીશ હોવાનુ બહાર આવ્યુ છે.

ચોરીમાં ઝડપાયેલા યુવકો બાંધકામ ચાલતુ હોય તેની નવી કંપનીઓને ટાર્ગેટ બનાવતા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.ચોરીમાં વપરાયેલ મારુતિ વાન પર પ્રેસ તેમજ ભારતીય જનતા પક્ષના પ્રતીક કમળનું સિમ્બોલ ચીતરાવેલું હતુ આમ ચોરીને અંજામ આપનાર ઈસમો મીડિયા તેમજ રાજકીય પ્રતીકોનું સુપેરે દુરુપયોગ કરી પોતાના કરતૂતોને પાર પાડતા હોવાની ગંભીર બાબત સામે આવી છે.

 

Similar News