સુરતી યુવાનનું બ્લડ ગૃપ વિશ્વમાં સૌથી અલગ!

Update: 2016-09-03 06:43 GMT

માનવીના શરીરમાં A, O, B અને AB એમ ચાર પ્રકારના રક્ત જૂથ હોય છે. તેમાં પણ ABO, Rh, Kell અને Duffy એમ 34 પ્રકારના સિસ્ટમ આવેલા હોય છે. પરંતુ સુરતમાં એક યુવાનનું બ્લડ આમાંથી કોઇ પણ પ્રકારનું ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

કોઇ પણ માનવીનું બ્લડ ગૃપ આમાંથી કોઇ પણ એક પ્રકારનું હોય છે. જોકે, સુરતના ડૉ.સન્મુખ જોષી, ડૉ.મેંદપરા અને અંકિતા શેલડીયાએ શહેરમાંથી એવા યુવાનને શોધી કાઢ્યો છે. જેનું બ્લડ વિશ્વના કોઇપણ વ્યક્તિના બ્લડ સાથે મેચ થતું નથી. આ યુવાન કોઇને રક્તદાન કરી શકતો નથી કે કોઇનું રક્ત લઇ શકતો નથી. આ લોહી પર વધુ રિસર્ચ કરવાનું હોવાથી લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા આ યુવાનનું નામ જાહેર ન કરવા માટે જણાવવામાં આવ્યું છે.

લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ.સન્મુખ જોષીએ જણાવ્યું હતું કે આ પ્રકારનું બ્લડ સૌપ્રથમ ઇન્ડિયામાં શોધાયુ હોવાથી તબીબો દ્વારા તેને ઇન્ડિયા પરથી INRA નામ અપાયુ છે. જેમાં IN એટલે ઇન્ડિયા અને RA એટલે દર્દીનું નામ. આ બ્લડ વિશ્વમાં અન્ય કોઇ માનવી સાથે મેચ થાય છે કે નહી તે જાણવા માટે WHO દ્વારા પ્રમાણિત ઇન્ટરનેશનલ બ્લડ ગૃપ રેફરન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. આ લેબોરેટરીમાં વિશ્વના તમામ પ્રકારના બ્લડ હોય છે. પરંતુ અહીં પણ સુરતી યુવાનનું બ્લડ મેચ ન થતાં તે વિશ્વમાં એક જ હોવાનું જાણવા મળ્યુ છે.

26 અને 27 ઓગષ્ટના રોજ પૂણેમાં ઇન્ડિયન સોસાયટી ઓફ હમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનની એક કોન્ફરન્સ યોજાઇ હતી. આ કોન્ફરન્સમાં ભારતભરમાંથી 600થી વધુ તબીબોએ હાજરી આપી હતી. જેમાં લોક સમર્પણ રક્તદાન કેન્દ્રને પ્રથમ પ્રાઇઝ આપીને શિલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ડૉ.સન્મુખે વધુમાં જણાવ્યું હતું કે આ વ્યક્તિનું લોહી ક્યાંથી આવ્યું તે દિશામાં વધુ તપાસ ચાલુ છે. યુવાનના પરિવારના તમામ લોકોનું બ્લડ ચકાસીને તેના મૂળિયા ક્યાં જોડાયેલા છે તે ચકાસવામાં આવશે.

 

Similar News