ઈન્ડિયન ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ઉપર પોલીસ કોન્સ્ટેબલનો હુમલો, નોંધાવી ફરિયાદ

Update: 2018-05-22 06:17 GMT

ભારતના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા ઉપર જામનગરમાં પોલીસ કોન્સટેબલે હુમલો કરતા ભારે ચકચાર જાગી છે. વાહન અથડાવાની બાબતે બોલાચાલી બાદ જાડેજાની પત્ની રીવાબા અને બાઇક પર સવાર પોલીસ કોન્સ્ટેબલ સંજય કરંગીયા વચ્ચે બોલાચાલી થઇ હતી. આથી ઉશ્કેરાયેલા પોલીસ કોન્સ્ટેબલ સંજય કરંગીયાએ રીવાબાના વાળ ખેંચી જાહેરમાં માર મારી હુમલો કર્યો હતો. આ બનાવના પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતાં. હુમલો કરી પોલીસ કોન્સ્ટેબલ સંજય ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસના ધાડા ઉતરી પડયા હતાં. બનાવ અંગે રીવાબાએ ફરિયાદ નોંધાવતા પોલીસ કોન્સ્ટેબલ સંજય કરંગીયા સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

વાહન અથડાવવા બાબતે પોલીસ કોન્સ્ટેબલના હુમલાનો ભોગ બનેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા બનાવ બાદ એસપી કચેરીએ ફરિયાદ કરવા દોડી ગયા હતાં. સમગ્ર બનાવની જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. પોલીસ કોન્સ્ટેબલ સંજય કરંગીયા બનાવ બાદ જી.જી.હોસ્પિટલમાં દાખલ થવા દોડી ગયો હતો. પરંતુ તેને કોઇ જ ઇજા ન હોવાથી ભોંઠપ અનુભવતા હોસ્પિયટલમાંથી પણ રફુચકકર થઇ ગયો હતો.

મહિલા ઉપર હુમલો ગંભીર, કડક પગલાં લેવાશે: એસપી

જામનગર જિલ્લા પોલીસ વડા પ્રદિપ સેજુળે બનાવ અંગે જણાવ્યું હતું કે, વાહન અથડાવવા બાબતે રીવાબા અને પોલીસકર્મી સંજય કરંગીયા વચ્ચે બોલાચાલી બાદ પોલીસકર્મીએ રીવાબા ઉપર હુમલો કર્યો હતો. મહિલા ઉપર હુમલો ગંભીર બાબત હોય પોલીસકર્મી સામે ગુન્હો નોંધી કડક પગલાં લેવામાં આવશે.

Similar News