એશિયા કપમાં આજે ભારત- પાકિસ્તાન વચ્ચે રમાશે હાઈવોલ્ટેજ મેચ

Update: 2018-09-19 05:12 GMT

ભારતીય સમય મુજબ સાંજે 5.00 કલાકે મેચનો પ્રારંભ થશે

ઇંગ્લેન્ડના પ્રવાસમાં પરાજયનો સામનો કરીને આવ્યા બાદ વન-ડે ક્રિકેટમાં પોતાનું ફોર્મ જાળવી રાખવાના ઇરાદા સાથે ભારતીય ક્રિકેટ ટીમ આજે કટ્ટર હરીફ એવા પાકિસ્તાન સામે ટકરાશે. એશિયા કપ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટની સૌથી અનુભવી અને અગાઉ ઘણી રોમાંચક મેચો રમી ચૂકેલી ભારત અને પાકિસ્તાનની ટીમ આ વખતે ફાઇનલમાં પ્રવેશ માટે ફેવરિટ મનાય છે. એશિયા કપનું ખરું આકર્ષણ આ મુકાબલા સાથે આજથી શરૂ થશે. ભારતીય સમય મુજબ સાંજે 5.00 કલાકે મેચનો પ્રારંભ થશે.

એશિયા કપમાં આ વખતે ભારતે વિરાટ કોહલીને બાદ કરતાં મજબૂત ટીમ મોકલી છે. જ્યારે પાકિસ્તાનની ટીમ પણ ફોર્મમાં છે. ગયા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને હરાવ્યા બાદ તેઓ માનસિક રીતે મજબૂતી સાથે આ મેચમાં રમશે. પાકિસ્તાન સામે મલ્ટિ નેશનલ ટુર્નામેન્ટમાં ભારતનો દેખાવ હંમેશાં સારો રહ્યો જ છે. જૂન 2017માં ઓવલ ખાતેની ફાઇનલ ગુમાવ્યા સિવાય ભારતે આ પ્રકારની મેજર ઇવેન્ટમાં મોટા ભાગની મેચોમાં પાકિસ્તાન સામે વિજય હાંસલ કર્યો છે. આ વખતે પણ તેની પાસેથી સફળતાની અપેક્ષા રખાય છે.

આ છે ટીમનાં સભ્યો:

ભારત: રોહિત શર્મા (સુકાની), શિખર ધવન, લોકેશ રાહુલ, અંબાતી રાયડુ, મનીષ પાંડે, કેદાર જાધવ, મહેન્દ્રસિંહ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્રસિંહ ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, શાર્દૂલ ઠાકુર, ખલીલ અહેમદ.

પાકિસ્તાન: સરફરાઝ અહેમદ (સુકાની), ફખર ઝમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ, શાન મસૂદ, શોએબ મલિક, હેરિસ સોહૈલ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, હસન અલી, જુનૈદ ખાન, ઉસ્માન ખાન, શાહીન આફ્રિદી, આસિફ અલી, મોહમ્મદ આમિર.

Similar News