ગોધરાકાંડ બાદ રાજય ભરમાં થયેલા તોફાનો કોઇ પૂર્વ આયોજિત કાવતરૂ ન હતું : ગૃહ રાજય મંત્રી

Update: 2019-12-11 10:55 GMT

જસ્ટીસ નાણાવટી અને મહેતા તપાસ પંચ દ્વારા અપાયેલ કલીનચીટ

ગૃહ રાજય મંત્રી પ્રદેપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, તા. ૨૭/૦૨/૨૦૦રના રોજ સાબરમતી એક્ષપ્રેસ ટ્રેઇનના કોચ

નં. 5-6માં આગ લગાડવાની હિચકારી ઘટના બનેલ. જેમાં ૫૮ કારસેવકોના

મૃત્યુ થયેલા અને ૪૦થી વધારે લોકોને ગંભીર ઇજા થઇ હતી અને ત્યારબાદ રાજય ભરમાં જે

તોફાનો ફાટી નીકળ્યા હતા તે કોઇ પૂર્વ આયોજિત કાવતરૂ ન હતું.

જાડેજાએ ઉમેર્યું કે આ કમિશનને ૪૪,૪૪૫

સોગંદનામા મળ્યા હતા. જે પૈકીના ૧૮,૦૦૦ સોગંદનામા રાહત અને

પુનર્વસનના દાવા માટેના હતા. ૪૮૮ સોગંદનામા સરકારી અધિકારીઓ, કર્મચારી અને પોલીસ ખાતા તરફથી રજૂ કરવામાં આવેલ હતા અને કમિશને સંબંધિતોના

નિવેદનો લઇ જરૂર જણાય ત્યાં ઊલટ તપાસ કરવામાં આવેલ હતી અને ૯ ભાગમાં ર૫૦૦ થી વધુ

પાનાનો વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવેલ છે.

મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે નાણાવટી કમિશન (પાર્ટ-૧)માં ગોધરા ખાતે

ટ્રેનના ડબ્બા સળગાવવા બાબતની ઘટના પૂર્વઆયોજિત હતી કે કેમ તે અંગે તલસ્પર્શી તપાસ

કરીને કમિશને તેનો રીપોર્ટ વર્ષ ૨૦૦૮માં રજૂ કરેલ હતો. જેમાં કમિશનના રીપોર્ટમાં આ

ઘટના પૂર્વ આયોજિત હોવાનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિપક્ષ

તેમજ કેટલીક એન.જી.ઓ. દ્વારા રાજય સરકારની છબી ખરડાય તે પ્રકારના આક્ષેપો કરવામાં

આવેલ હતા. ગોધરા કાંડ બાદના તોફાનોના બનાવો રાજ્ય સરકાર પ્રેરિત કે પૂર્વ આયોજિત

હતા તે પ્રકારના મલીન આક્ષેપો સંદર્ભે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે

તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટનાની તલસ્પર્શી તપાસ માટે કમિશનની રચના

કરવાનો સામેથી નિર્ણય કર્યો હતો.

મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, આ ઘટના ઉપર રાજકીય રોટલાં શેકવા અનેક પ્રકારના ગંભીર આક્ષેપો કર્યા હતા.

રાજય સરકારે ઘટનાની સંવેદનશીલતા જાણીને ત્વરિત તલસ્પર્શી તપાસ થાય તે અર્થે રચેલા

જસ્ટીસ જી.ટી. નાણાવટી અને જસ્ટીસ અક્ષય એચ. મહેતાના આ તપાસપંચે આ સમગ્ર બનાવને

ષડયંત્ર ન ગણાવીને કલીનચીટ આપી છે.

મંત્રી જાડેજાએ ઉમેયું કે, તપાસપંચ દ્વારા અપાયેલ નિષ્કર્ષ/તારણોમાં ગોધરાકાંડ બાદના તોફાનોમાં કોઇ

રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓની કોઇ સંડોવણી જોવા મળી નથી. તત્કાલિન

મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોઇ સંડોવણી જણાતી નથી. તપાસ

પંચે નિષ્કર્ષ પર આવતા પહેલા વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઇનું પણ નિવેદન લીધુ

છે. તપાસપંચના તારણોમાં ત્રણ પોલીસ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક જણાઇ છે.

જેમાં તત્કાલિન આઇ.પી.એસ. અધિકારી આર.બી. શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટનો સમાવેશ થાય છે.

Similar News