જંબુસરમાં ચૂંટણીની અદાવતે આધેડની ગોળી મારીને હત્યાથી ચકચાર

Update: 2017-03-03 12:13 GMT

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉમરગામ માં ચૂંટણીની જૂની અદાવતની રીસ રાખીને એક આધેડને મારક હથિયારો તેમજ બંદુકમાંથી ગોળીઓ વરસાવીને મોતને ઘાટ ઉતારી નાખતા પંથકમાં અજંપાભરી શાંતિના માહોલ સાથે સનસનાટી મચી ગઈ છે.

જંબુસર તાલુકાના ઉમરગામમાં ગત ડિસેમ્બર મહિનામાં યોજાયેલી સરપંચની ચૂંટણી બાદ વિજય સરઘસ દરમિયાન જૂથ અથડામણ થઇ હતી,જે બાબતની રીસ રાખીને તારીખ 2જી માર્ચને રાત્રીના સમયે જુમ્માખાન પઠાણ અને તેના બે પુત્રોએ મળીને અરવિંદ ઠાકોર ઉ.વ.42નો પીછો કરીને જીવલેણ હુમલો કર્યો હતો.

અરવિંદ ઠાકોર પર મારક હથિયારો વડે હુમલો કર્યા બાદ તેના પર અંધારાનો લાભ લઈને ગોળી ધરબી દીધી હતી,અને હુમલાખોરો ફરાર થઇ ગયા હતા.ગંભીર રીતે ઈજાગ્રસ્ત અરવિંદ ઠાકોરનું મોત નિપજતા તેઓના મૃતદેહને વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે લઇ જવામાં આવ્યો હતો.

જંબુસર પોલીસે ઘટના સંદર્ભે ફરિયાદ દર્જ કરીને આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.હાલ માં ગામમાં અજંપાભરી શાંતિનો માહોલ સર્જાય ગયો છે,અને પોલીસ દ્વારા પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

 

Similar News