દક્ષિણ અાફ્રિકા ખાતે માર્ગ અકસ્માતમાં ઝંઘાર ગામના યુવકનું મોત

Update: 2018-03-07 08:19 GMT

દક્ષિણ અાફ્રિકાના લેન્સ ટાઉનમાં સ્થાયી થયેલા ભરૂચ તાલુકાના ઝંઘાર ગામના એક યુવકનું કાર અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કમકમાટીભર્યુ મોત નિપજતા ભરૂચ પંથકના મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના ઝંઘાર ગામનો વતની મોહસીન વલી કન્કુ ઉ.વ. 27 છેલ્લા પાંચ વર્ષથી દક્ષિણ અાફ્રિકાના જહોનીસબર્ગ પાસે અાવેલા લેન્સ ટાઉનમાં રોજી રોટી માટે ગયો હતો અને તે ટેમ્પો ડ્રાઇવિંગનો જોબ કરતો હતો.

મોહસીન નામનો યુવક ગતરોજ જહોનીસબર્ગ - પ્રિટોરીયા વચ્ચે ટેમ્પોમાં માલ ભરી ટેમ્પો હંકારી રહ્યો હતો તે વેળા અચાનક કોઇક કારણોસર ટેમ્પો માર્ગ પરથી પસાર થઇ રહેલી એક કાર સાથે ધડાકાભેર અથડાતા મોહસીનને થયેલી ગંભીર ઇજાઓના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું તથા ટેમ્પો તેમજ કારને પણ ખુબ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર માર્ગ અકસ્માતનો ભોગ બનનાર મોહસીન 6 માસથી ટેમ્પો ડ્રાઇવિંગ પર લાગ્યો હતો અને તેના લગ્નને હજુ માંડ એક જ વર્ષ જ થયું હતું. ત્યાં જ કાળનો કોળીયો બની જતા મૃતક યુવકના પરિવાર પર જાણે કે અાભ તૂટી પડ્યું હતું. મોહસીન પોતે હાફેઝ પણ હતો. મોહસીન તેની પત્ની, માતા પિતા, એક ભાઇ તથા ત્રણ બહેનોને પોતાની પાછળ વિલાપ કરતા છોડી ગયો છે.

અકસ્માતના સમાચાર વાયુવેગે ઝંઘાર ગામમાં પ્રસરતા મોટી સંખ્યામાં ગ્રામજનો મોહસીનના પિતાના ઘરે સાંત્વના અાપવા ભેગા થયા હતા. જાણવા મળ્યા મુજબ મોહસીનની દફનવિધિ લેન્સ ટાઉનના કબ્રસ્તાનમાં સંપન્ન કરાઇ હતી. અામ એક અાશાસ્પદ યુવકના મોતના પગલે ઝંઘાર ગામ ઘેરા શોકમાં ગરકાવ થઇ જવા પામ્યું હતું.

Similar News