નયા ભારતના નિર્માણમાં અગ્રેસરની ભૂમિકા અદા કરવા નારીશક્તિને મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આહ્વાન

Update: 2019-08-14 11:44 GMT

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નયા ભારતના નિર્માણમાં અગ્રેસરની ભૂમિકા અદા કરવા નારીશક્તિને આહ્વાન કર્યું છે. ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર ખાતે યોજાયેલા મહિલા સંમેલનમાં રૂપાણીએ નારીશક્તિના મહાત્મ્યને બિરદાવતા કહ્યું કે, નારી એ શક્તિ સ્વરૂપા છે. આવી શક્તિનો સર્વાંગી વિકાસ થાય એ માટે સરકાર કટિબદ્ધ છે.

ઉક્ત સંદર્ભમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, નારી ગૌરવ નીતિ અંતર્ગત મહિલાઓને આર્થિક સ્વાવલંબનનું યોગ્ય વાતાવરણ મહિલાઓને ગુજરાત સરકાર દ્વારા પૂરૂ પાડવામાં આવ્યું છે. મહિલાઓ પગભર થાય અને ઘરને આર્થિક રીતે મદદરૂપ થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેમાં મિશન મંગલમ યોજના મહત્વપૂર્ણ છે. આ યોજનાનો વ્યાપ વધારવાનું રાજ્ય સરકારનું આયોજન છે. અત્યારે રાજ્યમાં ૨.૭૫ લાખ જેટલા સખીમંડળો કાર્યરત છે. તેને વધારીને ૧૦ લાખ સખી મંડળો કાર્યરત કરવામાં આવશે. જેના થકી એક કરોડ જેટલી મહિલાઓને સામુહિક પ્રયત્નો થકી સીધી રોજગારી મળશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નારીશક્તિની વિવિધક્ષેત્રમાં ભાગીદારી વધારવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની બેઠકોમાં ૫૦ ટકા અનામત મહિલાઓને આપવામાં આવી છે. જેનાથી સત્તાક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન વધ્યું છે અને નારીના નેતૃત્વ-કર્તૃત્વનો સ્વીકાર થયો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે કુખથી કરિયાવર સુધીની એક નારીની સામાજિક યાત્રાના તમામ પડાવોની ખેવના કરી છે. એક માં તરીકે તેમના ગર્ભાવસ્થા દરમિયાન આરોગ્યલક્ષી સારવાર સાવ વિનામૂલ્યે આપવામાં આવે છે. તેમને પૂરક પોષણ મળી રહે તે માટે આહાર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. હવે, એક માતાને દીકરી અવતરે ત્યારે તેના માટે વિશેષ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીનો જન્મ થાય તેને વધાવવામાં આવે છે. દીકરી પ્રાથમિક શાળામાં અભ્યાસમાં કરે ત્યારે તેમના ખાતામાં રૂ. ૪ હજાર જમા કરાવવામાં આવશે. ધોરણ ૯માં આવે ત્યારે ૬ હજાર આપવામાં આવશે. એમ ૧૮ વર્ષની થાય ત્યારે, રૂ. એક લાખ મળે એવી રીતે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

દીકરી અભ્યાસ કરી દેશની નામ રોશન કરે એવી અપીલ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, દીકરીઓના અભ્યાસની ખેવના આ રાજ્ય સરકારે કરી છે. અફસર બિટીયા યોજના અંતર્ગત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે છાત્રવૃત્તિ આપવામાં આવે છે. મેડિકલ સાયન્સના અભ્યાસની સંપૂર્ણ ફી માફી કરવામાં આવે છે. મહિલાઓ માટે પોલીસ તંત્રમાં ૩૩ ટકા અનામત આપવામાં આવી છે. નાગરિકોની સુરક્ષાની જવાબદારી મહિલાઓને સોંપવામાં આવી છે .

મહિલાઓને ઘરેલું હિંસાના કેસમાં અભયમ્ દ્વારા માત્ર ૧૦ મિનિટના સમયમાં મદદ મળે એવું વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવ્યું છે, તેમ કહેતા રૂપાણીએ ઉમેર્યું કે, અભયમ મહિલાઓને માટે મદદગાર સાબિત થઇ રહી છે. તેનાથી આપત્તિમાં પડેલી નારીને સંરક્ષણ અને રક્ષણ મળે છે. આ ઉપરાંત રાજ્યમાં નારી અદાલતોનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

મહિલાઓ ઉપર ખાસ કરીને નાની બાળાઓ ઉપર થતાં જાતીય હુમલાના કેસમાં ન્યાયિક પ્રક્રીયા ત્વરિત થાય એ માટે ફાસ્ટ ટ્રેક અદાલતો શરૂ કરવામાં આવી છે. તાજેતરના એક કેસમાં આરોપીઓને ફાંસીની સજા થઇ છે, દારૂબંધીના કાનૂને વધુ કડક બનાવી દારૂડિયા પતિ દ્વારા તેની પત્નિ પર થતા અત્યાચાર રોકવા સરકારે પ્રયત્ન કર્યા છે. તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

જ્યા નારીનું ગૌરવ નથી, તે ઘર કે રાષ્ટ્ર સુખી નથી, એવું ભારપૂર્વક કહેતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, નારીના સન્માન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. એટલે જ વિધવા સહાયમાં આર્થિક સહાયના ધોરણોમાં વધારો કરવામાં આવ્યો છે. જૂના નિયમો બદલવામાં આવ્યા છે. પહેલા પુત્ર ૧૮ વર્ષથી ઉપરની વયના હોય તો તેને આ યોજનાનો લાભ મળતો નહોતો, સહાયનું ધોરણ પ્રતિ માસ રૂ. ૭૫૦ હતું. વિધવા મહિલાઓના હિતમાં તેમાં બદલાવ કરીને હવે પુત્રની વયના માપદંડો કાઢી નાખવામાં આવ્યા છે અને વિધવા મહિલાઓને મળતી આર્થિક સહાયમાં વધારો કરી રૂ. ૧૨૫૦ પ્રતિમાસ કરવામાં આવી છે. આ સરકારે નારીના હિત અને તેની સમસ્યાને પ્રાધાન્ય આપ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મંત્ર સહી પોષણ, દેશ રોશનને સાકાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કુપોષણ સામે જંગ છેડવામાં આવ્યો છે. આદિજાતિ વિસ્તારોમાં દૂધ સંજીવની યોજના ચાલી રહી છે. તેનો લાભ હજારો બાળકો પ્રતિ દિન લઇ રહ્યા છીએ. આંગણવાડીના માધ્યમથી બાળકો, કિશોરીઓ અને ધાત્રી માતાઓને પૂરક આહાર આપવામાં આવી રહ્યો છે. હવે, સ્માર્ટ ફોનના માધ્યમથી પોષણને સારી રીતે મોનિટર કરી શકાશે. આંગણવાડી કાર્યકરોની કામગીરી સરળ બનશે. રાજ્યની ૫૦ હજાર આંગણવાડી કાર્યકરોને સ્માર્ટ ફોન આપવામાં આવશે, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

રૂપાણીએ સ્વચ્છતા અભિયાનમાં પૂરી લગનથી સહભાગી બનવા માટે નારીશક્તિને અપીલ કરી હતી. પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી કાર્યકરોને સ્માર્ટ ફોન આપવાનો શુભારંભ કરાવ્યો હતો. સાથે, વ્હાલી દીકરી યોજનાના લાભાર્થી વાલીઓને પ્રમાણપત્ર ઉપરાંત અન્ય યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું હતું. સાથે, આદિજાતિ વિભાગ દ્વારા પ્રકાશિત પુસ્તક છોટાઉદેપુર જિલ્લાની હુન્નર કલા અને વન વિભાગ દ્વારા પ્રકાશિત પુસ્તક પીપલ એન્ડ ફોરેસ્ટનું વિમોચન કર્યું હતું. વિવિધ ક્ષેત્રની મહિલા સંસ્થાઓ તથા આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું બહુમાન કરવામાં આવ્યું હતું.

આ વેળાએ જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ, સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી અને મોહનસિંહ રાઠવા, પૂર્વ સાંસદ રામસિંહભાઇ રાઠવા, નારણસિંહ રાઠવા, જસુભાઇ રાઠવા, સચિવ મિલિન્દ તોરવણે, કલેક્ટર સુજલ મયાત્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Similar News