નેત્રંગઃ બલદવા ડેમની જમણા કાંઠાની નહેરમાંથી ૨૦ વર્ષમાં ખેડૂતોને પાણી મળ્યું જ નથી

Update: 2018-05-18 13:01 GMT

નેત્રંગ તાલુકામાં આવેલા બલદવા ડેમના જમણા કાંઠા વિસ્તારની હજારો એકર જમીન છેલ્લા ૨૦થી બિનપીયત હાલતમાં પડી રહી છે. સિંચાઈ વિભાગ દ્વારા આ નહેરના મરામત અને સાફ સફાઈની પાછળ આજદીન સુધીમાં લાખો રૂપિયાનું આંધણ કરી નાખ્યું છે. છતાં નહેરની આજુબાજુના ખેડૂતોને ટીપું પાણી પણ સિંચાઈ માટે મળ્યું નથી. ચુંટણી આવવાની હોય એ પહેલાં ભાષણોમાં પાણી આપવાની જાહેરાત મોટાપાયે થાય છે. પરંતુ રીઝલ્ટ આવ્યા બાદ ૨૦ વર્ષમાં એકપણ સરકારે બલદવા ડેમની જમણા કાંઠા નહેરમાં ટીપું પાણી છોડાવ્યું નથી.

ખેડૂતોની આવક બમણી કરવાની ફક્ત જાહેરાતો કરતી સરકારે ખેડૂતોનું જરાપણ વિચાર્યું નથી. આ વિસ્તારમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખેડૂતોના ઉભા મોલ વગર પાણીએ સુકાઇ રહયા છે. વિકાસની જગ્યાએ વિનાશ થઈ રહ્યો છે. નહેરના રિપેરીંગમાં લાખો રૂપિયા વેડાફી કઈ જગ્યાએ કયું કામ કર્યું તેની તપાસ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ કરી રહ્યા છે.

બલદવા ડેમ બન્યાને આસરે ૨૫ વર્ષ થયાં છે. ત્યારે આ વિસ્તારના લોકોને સિંચાઈની અપૂરતી સુવિધાઓ હોવાથી તેના ડાબા અને જમણા એમ બે કાંઠે નહેર બનાવી હજારો એકર જમીન પિયત થાય અને ખેડૂતો વર્ષમાં ત્રણ પાક અથવા તો ઉનાળામાં ચારથી પાંચ વારપાણી લઈ ખેતીમાં ઉત્પાદન વધારી શકે, પરંતુ જમણા કાંઠામાં રીપેરીંગના નામે લાખો રૂપિયા વેડફાયા કે ખાયકી થઈ છતાં પાણી એક ટીપુંએ ખેડૂતોને આજે પણ નથી મળતું.

ખેડૂતોના કહેવા મુજબ નહેરના કામોમાં સિંચાઈ વિભાગે કોન્ટ્રાકટર અને અધિકારીઓએ મેળાપીપણામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે જેથી આજે પણ આદિવાસી અને જનરલ ખેડૂતો પાણી માટે વલખા મારે છે. ડેમમાંથી નહેરમાં પાણી છોડવામાં આવે તો છેલ્લે સુધી પાણી મળે અને ખેડૂતો આર્થિક રીતે દેવાદારીમાંથી મુક્ત થાય હાલની સંવેદનશીલ સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદના દાખવે અને જમણા કાંઠા નહેરમાં પિયત માટે પાણી આપે એવી માંગ કરી રહયા છે.

Tags:    

Similar News