સુરતમાં મુશળધાર વરસાદ : શાળા-કોલેજોમાં ૨ દિવસની રજા જાહેર

Update: 2018-07-12 10:43 GMT

કલેક્ટરે લોકોને જરૂરીયાત વગર ઘરની બહાર ના નિકળવાની સલાહ આપી

છેલ્લા કેટલાક સમયથી ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે. તો બે દિવસથી સુરત અને તેની આસપાસમાં સારી મેઘ મહેર થઈ રહી છે. ભારે વરસાદના પગલે સુરતની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.સાથે જ કલેક્ટરે લોકોને જરૂરીયાત વગર ઘરની બહાર ના નિકળવાની સલાહ આપી છે.

સુરતમાં બે દિવસથી પ્રમાણમાં સારો વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયાના અહેવાલ છે. શહેરના સિટીલાઈટ અને અઠવાગેટ વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેના કારણે સિટીલાઈટ સહિત શહેરના વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે.

હાલ વરસાદ ઉપરાંત આગામી ત્રણેક દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે તંત્ર સાવધ બન્યું છે. પરિણામે સુરત શહેરમાં 2 દિવસ માટે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત સુરતના કલેક્ટર ધવલ પટેલે તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપી છે. ધવલ પટેલે કાંઠા વિસ્તાર, નદીઓ તેમજ દરિયા કિનારે કોઈ વ્યક્તિ પ્રવેશ ન કરે તે માટે આદેશ આપ્યા છે. સાથે જ શહેરીજનોને કામ શિવાય ઘરની બહાર નિકળવાનું ટાળવાની અપીલ કરી છે.

ભારે વરસાદના પગલે મનીષા ગરનાળા અને અડાજણ વિસ્તારમાં પણ પાણી ભરાયાના અહેવાલ છે. ગાડીઓ અને રિક્ષાઓ સહિત લોકોના વાહનો પાણીમાં બંધ પડી જવાના પન અનેક બનાવો સામે આવ્યાં છે. પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Similar News