Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ પોલીસ દ્વારા સ્પા સેન્ટર્સમાં હાથ ધરાયું ચેકિંગ,લાઈસન્સની થશે ખરાઈ

અંકલેશ્વરઃ પોલીસ દ્વારા સ્પા સેન્ટર્સમાં હાથ ધરાયું ચેકિંગ,લાઈસન્સની થશે ખરાઈ
X

અંકલેશ્વર GIDC વિસ્તારમાં 6 જેટલાં સ્પા સેન્ટર્સમાં તપાસ હાથ ધરાઈ

ભરૂચ જિલ્લા પોલીસ વડની સૂચનાથી શહેર અને જિલ્લામાં ચાલતા સ્પા સેન્ટર્સમાં સર્પ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ચાલતા વિવિધ સ્પા સેન્ટર્સમાં આજરોજ સાંજના સમયે પોલીસ દ્વારા ઓચિંતુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલા 6 જેટલા સ્પા સેન્ટર્સમાં તપાસ કરવામાં આવી હતી. જોકે આ સરપ્રાઈઝ ચેકિંગમાં કોઈ કોઈ શંકાસ્પદ બાબતો સામે નથી આવી.

રાજકોટમાં પોલીસ વિભાગ દ્વારા સ્પા સેન્ટર્સમાં હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં 45 જેટલી વિદેશી યુવતીઓ ગેરકાયદેસર રીતે કામ કરતી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ભરૂચ જિલ્લામાં નવા આવેલા જિલ્લા પોલીસવડા આર.વી.ચૂડાસમાની સૂચનાથી દરોડા પાડવામાં આવ્યા હતા. એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ મળી અલગ અલગ ટીમો બનાવીને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વરમાં પાડવામાં આવેલા દરોડામાં ડીવાય એસપી એલ.એ. ઝાલા, અંકલેશ્વર શહેર પોલીસ મથકનાં પીઆઈ જે.જી. અમીન, જીઆઈડીસી પોલીસ મથકનાં પીઆઈ આર.કે. ધુળીયા તેમજ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા અનેક સ્પા સેન્ટર્સમાં તપાસ કરવામાં આવી હતી.

આ સંદર્ભે ડીવાય એસપી એલ.એ.ઝાલાએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિવિધ સ્પા સેન્ટર્સમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કેટલાંક સ્પા સેન્ટર્સ લાઈસન્સ વિના ચાલતા હોવાનું ધ્યાને આવ્યું છે. હાલ તો તમામ સ્પા સેન્ટર્સનાં સંચાલકો અને માલિકોને પોતાના લાઈસન્સ વેરિફિકેશન કરાવવા માટે સૂચના આપવામાં આવી ચે. જેમની પાસે લાયસન્સ નથી તેવા સ્પા સેન્ટર્સનાં માલિકો- સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Next Story