• અંકલેશ્વરનો ચકચારી બનાવ

  • યુવાને કર્યો આપઘાત

  • નર્મદા નદીમાં લગાવી મોતની છલાંગ

  • વિકૃત હાલતમાં મળી આવ્યો મૃતદેહ

અંકલેશ્વરના નવા બોરભાઠા ગામના 22 વર્ષીય યુવાને નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.મૃતક યુવાન એમએસસીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું બહાર આવ્યું છે.
અંકલેશ્વરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 22 વર્ષીય યુવાન દીપ મગનભાઈ પટેલનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો છે.
મૃતક દીપ પટેલ જે નોકરી સાથે એમ.એસસીના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતો હતો.અમદાવાદમાં પરીક્ષા આપવા જવાનું હતું. પરીક્ષા માટે તૈયારીઓ દરમિયાન માતા સાથે થયેલી નાની વાતચીત બાદ દીપ ગુસ્સે થઈ તારીખ 27 એપ્રિલની રાત્રે લગભગ 9 વાગ્યે ઘરેથી નીકળી ગયો હતો.
બીજા દિવસે બપોરે લગભગ 1 વાગ્યે દીપે પરિવારને મેસેજ કરીને જાણ કરી કે તેનો મોબાઈલ અને બાઈક તપોવન આશ્રમના કિનારે મુકેલ છે ત્યારબાદ પરિવારજનો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સ્થળ પરથી મોબાઈલ અને બાઈક મળી આવ્યા હતા પરંતુ દીપનો કોઈ પત્તો મળ્યો ન હતો. ગુમ થયેલા દીપની શોધખોળ દરમિયાન આજે જુના બોરભાઠા બેટ ગામના સ્મશાન નજીકના કિનારે એક ડિકમ્પોઝ થયેલ મૃતદેહ જોવા મળ્યો હતો.
સ્થાનિકોએ આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો.ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચી મૃતદેહની ઓળખ અંગે તપાસ કરી અને તરત જ અંકલેશ્વર સી.ટી.એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ દ્વારા મૃતદેહના સગાઓની શોધખોળ કરવામાં આવતા પરિવારજનોને જાણ કરવામાં આવી. પરિવારજનો સ્થળ પર પહોંચી કપડાં પરથી મૃતદેહની ઓળખ દીપ પટેલ તરીકે કરી હતી.હાલમાં આ સમગ્ર મામલે વધુ તપાસ અંકલેશ્વર સી.ટી.એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.