Connect Gujarat
Featured

અરવલ્લી : માલપુરનો વિદ્યાર્થી રાષ્ટ્રીય કક્ષાની કબડ્ડી લીગમાં પસંદગી પામ્યો, જિલ્લા સહિત પરિવારનું ગૌરવ વધાર્યું

અરવલ્લી : માલપુરનો વિદ્યાર્થી રાષ્ટ્રીય કક્ષાની કબડ્ડી લીગમાં પસંદગી પામ્યો, જિલ્લા સહિત પરિવારનું ગૌરવ વધાર્યું
X

કહેવાય છે કે, મન હોય તો માંડવે જવાય. અને માતા પિતાનો સાથ હોય તો કોઇપણ કામ આસાનીથી પાર પાડી શકાય છે. અને આવું જ કંઇક બન્યું છે, અરવલ્લી જિલ્લાના માલપુરમાં… અહીં એક ખેલાડી કબડ્ડીની રાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી પામ્યો છે, ત્યારે દીકરાને કબડ્ડીમાં સફળતા અપાવવા માટે માતાનો પણ ઘણો જ સાથ આપ્યો છે.

અરવલ્લી જિલ્લામાં ખેલ મહાકુંભ થકી ખેલાડીઓને સારો ફાયદો થઇ રહ્યો છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા માલપુરનગરના વિદ્યાર્થી પાર્થ વાઘેલાની કબડ્ડીની રમતમાં રાષ્ટ્રીય કક્ષા સ્ટુડન્ટ કબડ્ડી લીગમાં પસંદગી થતાં પરિવારજનોમાં ખુશી વ્યાપી છે. દિલ્હી ખાતે યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં ગુજરાતના 4 ખેલાડીઓની પસંદગી થઇ છે. જેમાં અરવલ્લી જિલ્લાના પાર્થ વાઘેલાનો પણ સમાવેશ થયો છે. ખેલ મહાકુંભમાં 4 વર્ષ ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર પાર્થ વાઘેલાને સફળતા મળી છે. માર્ગદર્શનનો અભાવ છતાં સોશિયલ મીડિયા પર કાષ્ટ્રીય કક્ષાની કબડ્ડીના વિડિયો જોઇ જોઇને પાર્થે આ મુકામ હાંસિલ કર્યો છે. હવે આગામી ડિસેમ્બર મહિનામાં 5 દિવસની તાલિમ માટે પાર્થ વાઘેલા દિલ્હી મુકામે જવા રવાના થશે, ત્યારે પાર્થ વાઘેલાએ સમગ્ર અરવલ્લી જિલ્લા સહિત પોતાના પરિવારનું પણ નામ રોશન કર્યું છે.

સામાન્ય પરિવારમાંથી આવતો પાર્થ જ્યારે કબડ્ડી રમવા માટે જતો ત્યારે પિતા મંજૂરી નહોતા આપતા, પરંતુ માતા તેને પ્રોત્સાહિત કરતા અને કબડ્ડી રમવા માટે મોકલતા હતા. પાર્થ જ્યારે નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારે ખેલ મહાકુંભ થકી કબડ્ડી રમ્યો હતો. પરંતુ આજે માતાના પ્રોત્સાહન અને રૂચિને કારણે પાર્થ સફળતાની ઉંચાઈ આંબી શક્યો છે, જેનો માતાને પણ ગર્વ છે. સાધનો અને યોગ્ય માર્ગદર્શનના અભાવ વચ્ચે યુવા કબડ્ડી ખેલાડી પાર્થે સાબિત કરી બતાવ્યું છે કે, સફળતા ભલે આપણા સુધી ન પહોંચે પણ આપણે સફળતા સુધી ચોક્કસથી પહોંચી શકીએ છીએ.

Next Story