અમદાવાદના સરખેજ સ્થિત ભારતી આશ્રમ ટ્રસ્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો મામલે ધાર્મિક લાગણી દુભાતા સંસ્થાના અગ્રણી ઇકાબાપુને તમામ વહીવટી અને સંસ્થાકીય જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ કડક પગલાં બાદ સરખેજ સંસ્થા અને ભારતી આશ્રમની તમામ કામગીરીમાંથી તેમનો હક પાછો ખેંચી લેવાયો છે. 

સંસ્થા દ્વારા સત્તાવાર આદેશ આપીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ઇકાબાપુ હવેથી આશ્રમના નામ, પદ કે પ્રતિનિધિત્વનો કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકશે નહીં. આ ઉપરાંત, આશ્રમ તરફથી તેમને કાર્યકાળ દરમિયાન ફાળવવામાં આવેલી તમામ સામગ્રી અને સંબંધિત વસ્તુઓ તાત્કાલિક અસરથી પરત સોંપી દેવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. 

ટ્રસ્ટના મેનેજમેન્ટે સૂચના આપી છે કે, જ્યાં સુધી ઇકાબાપુ પર સોશિયલ મીડિયા વીડિયોને લઈને લાગેલા તમામ આરોપો સંપૂર્ણપણે ખોટા સાબિત નહીં થાય, ત્યાં સુધી તેઓ ભારતી આશ્રમની તમામ ગતિવિધિઓથી દૂર રહેશે.