• પશ્ચિમ વિસ્તારમાં આવેલી મદીના પાર્ક સોસાયટીની ઘટના

  • સોસાયટીમાં માટી ખાલી કરવા આવેલા ડમ્પર ચાલકની કરતૂત

  • ડમ્પર ચાલકે સોસાયટીમાં GEBના 8 વીજ પોલ ઉખેડી નાખ્યા

  • જીવતા વીજ વાયર લોકોના મકાનો અને જમીન પર પડ્યા

  • વીજકર્મીઓ ઘટના સ્થળે દોડ્યાસદનસીબે કોઈ જાનહાની નહીં

 ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મદીના પાર્ક સોસાયટીમાં માટી ભરેલા ડમ્પર ચાલકે માટી ખાલી કરતા સમયે 8 જેટલા ચાલુ વીજ પોલના થાંભલા ઉખાડી નાખતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના શેરપુરા-ડુંગરી માર્ગને અડીને મદીના પાર્ક સોસાયટી આવેલી છે. શનિવારે સવારના સમયે એક ડમ્પર ચાલક માટી ભરીને ત્યાં ખાલી કરવા માટે આવ્યો હતો. આ સમયે ડમ્પરની હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરીને માટી ખાલી કરવામાં આવતી હતી. તે દરમ્યાન ચાલુ વીજ તારના થાંભલાના વાયર ડમ્પરની ટ્રોલી સાથે ભરાય જતાં ડમ્પર ચાલકે અંદાજીત 7થી 8 જેટલા વીજ પોલના થાંભલા ઉખેડી નાખ્યા હતા.

આ સમયે સ્થાનિકોના મકાનો પર લગાવેલા પતરા અને કપડાંઓ પણ બળી ગયા હતા. ઘટનાના પગલે લોકો પોતાના મકાનોની બહાર દોડી આવ્યા હતા. તો બીજી તરફઘટના બાદ ડમ્પર ચાલક સ્થળ પર જ વાહન મુકીને ફરાર થઈ ગયો હતો.

બનાવની જાણ થતાં જ વીજ કંપનીના કામદારો પણ સ્થળ પર દોડી આવ્યા હતાજ્યાં વીજ પુરવઠો બંધ કરી યુદ્ધના ધોરણે વીજ લાઇનના સમારકામની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.