• જમ્મુ કશ્મીરમાં થયો હતો આતંકી હુમલો

  • ભરૂચનું પરિવાર કશ્મીરના પ્રવાસેથી હેમખેમ પરત ફર્યું

  • કિચન લેવા રોકાતા આતંકીઓ સાથેનો સામનો ટળ્યો

  • હુમલની જાણ થતા જ હોટલ પરત ફર્યા હતા

  • પરિવારજનોએ અનુભવ્યો હાશકારો

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. કશ્મીરના બૈસરન જતા ભરૂચના પરિવારનો કિચેઇન ખરીદવા માર્ગમાં રોકાવાથી કિસ્મતે બચાવ કર્યો હતો. દવે પરિવાર બૈસરન ઘાટી માટે મોડું પડયું અને તેમનો આંતકવાદીઓ સાથેનો સામનો ટળ્યો હતો. 
ભરૂચના સંધ્યા દવે તેમન પતિ ઋષિ દવે અને એનઆરઆઈ બહેન બનેવી સાથે પેકેજ ટૂર દ્વારા કાશ્મીર ગયા હતા. આ બે દંપતીઓને 22 તારીખે બપોરે સાડાબાર વાગ્યે બૈસરનના મીની સ્વિટ્ઝર્લેન્ડ પોઇન્ટ જે હુમલાનું સ્થળ હતું ત્યાં પહોંચવાનું શિડ્યુલ અપાયું હતું. હોટલથી ઘાટી તરફ રવાના થયેલા આ ગુજરાતી પર્યટકો હુમલાના સ્થળ નજીક  એક સેલ્ફી પોઇન્ટ પર રોકાયા હતા.
અહીં તસવીરો ખેંચ્યા બાદ આગળ ધપતી વખતે નજીકમાં દેવદારના લખડામાંથી કોતરણી કરી કિચેઇન બનાવતા એક વ્યક્તિ પર સંધ્યાબેનની નજર પડી હતી. અહીં ભીડ હતી અને કારીગરે સંધ્યાબેને બનાવવા આપેલા કિચેઇનમાં પરિવારના સભ્યોના નામના સ્પેલિંગમાં બેથી ત્રણ વખત ભૂલો કરી હતી. આ રકઝકમાં સમય વેડફાયો હતો અને તે પોઇન્ટ સુધી પહોંચવા મોડા પડ્યા હતા.
આ દરમિયાન અચાનક ફાયરિંગનો અવાજ સંભળાયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. દવે પરિવાર સાથે ટુર ઓપરેટરના ડ્રાઇવર કમ ગાઈડે કોઈ અનિચ્છનીય ઘટના બની હોવાની હોવાની શંકા વ્યક્ત કરી પરત હોટલ જવા વિનંતી કરી હતી. આ દરમિયાન પર્યટકોનું ટોળું નજીક આવ્યું હતું જેણે આંતકી હુમલાની માહિતી આપતા અન્યની સાથે બે દંપતી પણ જીવ બચાવવા પરત ભાગ્યા હતા. આમ કિચેઇન બનાવવામાં વેડફાયેલ સમયના કારણે દવે પરિવારના સભ્યોનો જીવ બચ્યો હતો.