ભરૂચના આમોદ તાલુકાના એક ગામની યુવતીને હેરાન કરી શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવાના તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપો મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.ફરિયાદમાં યુવતીએ પિતા પુત્રો એવા મહંમદ સાબીર રશીદ દલબી, રશીદ દલબી અને શેહઝાદ દલબી સહિતના લોકો સામે ગંભીર આક્ષેપો કર્યા હોવાનું જાણવા મળે છે. યુવતીના જણાવ્યા મુજબ, આરોપી મહંમદ સાબીર છેલ્લા કેટલાક સમયથી તેનો પીછો કરી હેરાન કરતો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો.

ફરિયાદ મુજબ, તા. 13 ઓગસ્ટ 2025ના રોજ સાંજના સમયે યુવતી ગામમાં વસ્તુ લેવા ગઈ હતી. પરત ફરતી વખતે મહંમદ સાબીરે મોટરસાઇકલ આડી કરી તેનો રસ્તો રોક્યો હતો અને યુવતીનો હાથ પકડી તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ વિરોધ કરતાં તેને ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.આ ઘટનાની જાણ યુવતીએ પરિવારજનોને કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી મહંમદ સાબીર રશીદ દલબી, રશીદ દલબી અને શેહઝાદ દલબીની ધરપકડ કરી છે.પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.