/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/06164142/maxresdefault-71.jpg)
ભરૂચના ધર્મનગરમાં રહેતી મહિલાને તમારૂ ઇનામ લાગ્યું છે તેમ કહી યુપીઆઇ પીન મેળવી 2 હજાર રૂપિયાની ઓનલાઇન છેતરપીંડી કરાય હતી. આ ગુનામાં સી ડીવીઝન પોલીસે રાજકોટથી મુખ્ય સુત્રધાર સહિત અન્ય આરોપીને ઝડપી પાડયાં છે. મુખ્ય સુત્રધાર મિલને રાજકોટની કોલેજમાંથી BCA સુધીનો અભ્યાસ કર્યો છે.
ભરૂચના ધર્મનગરમાં રહેતી મહિલાના ફોન પે એપ્લીકેશનમાં કોઇ અજાણ્યા ઇસમોએ તમને ઇનામ લાગ્યું છે અને આ લીંક પર કલીક કરો તેમ જણાવી તેમાં યુપીઆઇ પીન એન્ટર કરવા જણાવ્યું હતું. મહિલાએ યુપીઆઇ નંબર એન્ટર કરતાંની સાથે તેમના એસબીઆઇ બેંકના ખાતામાંથી 2 હજાર રૂપિયા ઉપડી ગયાં હતાં. બનાવ સંદર્ભમાં તેમણે સી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
પોલીસે ઝડપી પાડેલા આરોપીઓ પૈકી રાજકોટના મિલન સુરાણીએ પોતાના લેપટોપમાં સક્રેચ એન્ડ વીન નામની એપ્લીકેશન બનાવી હતી. તે મોબાઇલ ધારકોના મોબાઇલમાં નોટીફીકેશન મોકલાવી ઓનલાઇન છેતરપીંડી કરી પોતાના ડમી ફોન પે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી તેના મિત્રોના પેટીએમ તથા બેંક ખાતાઓમાં મોકલી આપતો હતો.
આ ગુનામાં પોલીસે પ્રતિક ધડુક, પિયુષ ગજેરા, રવિ પાટોડીયા, મિલન સુરાણી અને વિવેક વરસાણીની ધરપકડ કરી છે. આરોપી મિલન પાસેથી રોકડા 9 લાખ રૂપિયા, પૈસા ગણવાનું મશીન, લેપટોપ , મોબાઇલ ફોન, અલગ અલગ કંપનીઓના 48 સીમકાર્ડ તથા કાર મળી આવી છે. અન્ય આરોપી વિવેક પાસેથી 60 હજાર રૂપિયા રોકડા કબજે લેવાયાં છે. આમ પોલીસે ઓનલાઇન છેતરપીંડી કરતી આખી ગેંગ ઝડપી પાડી છે. આગામી દિવસોમાં વધુ ગુનાનો ભેદ ઉકેલાવાની સંભાવના છે. સમગ્ર કામગીરી એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સી ડીવીઝન પીઆઇ ઉનડકટ તથા સાયબર સેલની ટીમે પાર પાડી હતી.
ભરૂચ સી ડીવીઝન પીઆઇ ઉનડકટના જણાવ્યા અનુસાર ભરૂચની મહિલા સાથે છેતરપીંડીની ફરીયાદ મળ્યાં બાદ કુલ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી પ્રતિક અને પિયુષના ખાતામાં છેતરપિંડીના નાણા જમા થતાં હતાં. તેઓ બંને કમિશન લઇને નાણા રવિને આપી દેતાં હતાં. કૌભાંડનો મુખ્ય સુત્રધાર મિલન સુરાણી રાજકોટમાંથી BCAનો અભ્યાસ કરી ચુકયો છે. તેના મુંબઇ ખાતે રહેતાં એક મિત્રની સલાહથી ઓનલાઇન છેતરપિંડીનો ખેલ શરૂ કર્યો હતો. જયારે અન્ય એક આરોપી વિવેક તેના આસીટન્ટ તરીકે કામ કરતો હતો. રૂપિયા કમાઇ લેવા માટે ટોળકીએ શોર્ટકર્ટ અપનાવ્યો હોવાનું હાલના તબકકે જણાય આવે છે.