ભરૂચ : છઠ્ઠ પૂજા મહોત્સવની ઉજવણી આ વર્ષે મોકૂફ, જાણો દિનકર સેવા સમિતિ દ્વારા કેમ લેવાયો નિર્ણય..!

ભરૂચ જિલ્લામાં દિનકર સેવા સમિતિ દ્વારા દર વર્ષે ઉજવાતો છઠ્ઠ પૂજા સામારોહ આ વર્ષે કોરોના મહામારીના કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે. જોકે છઠ્ઠ પૂજા નિમિત્તે ભક્તો પોતાના ઘરે કૃત્રિમ કુંડ બનાવી સહ પરિવાર સાથે પૂજા કરે તેવો દિનકર સેવા સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
કારતક માસના શુક્લ પક્ષની છઠ્ઠની તિથિ પર છઠ્ઠ પૂજા મહોત્સવ ઉજવવામાં આવે છે. છઠ્ઠ પૂજામાં શારીરિક અને માનસિક શુદ્ધતાની વિશેષ કાળજી રાખવામાં આવે છે. છઠ્ઠ પર્વ પર પહેલા અર્ધ્ય ષષ્ઠી તિથિએ અર્ધ્ય ભગવાન સુર્યનારાયણને અર્પણ કરવામાં આવે છે. જળમાં દુધનું મિશ્રણ કરી સુર્યની છેલ્લી કિરણોને અર્ધ્ય આપવામાં આવે છે. સંધ્યા સમયે અર્ધ્ય આપવાથી વિશેષ લાભ મળે છે. માનવામાં આવે છે કે, સૂર્ય ભગવાન તેમની આ ઉપવાસથી ખુશ થઈ અને સ્ત્રીઓની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
જોકે ભરૂચ જિલ્લામાં વર્ષોથી વસેલા અને પોતાના કામ ધંધાર્થે આવેલા પરપ્રાંતિયો માટે છઠ્ઠ પૂજા મહોત્સવનો અનેરો મહિમા રહેલો છે. જેને લઇ નર્મદા નદી કાંઠે દર વર્ષે દિનકર સેવા સમિતિ દ્વારા છઠ્ઠ પૂજા મહોત્સવ નિમિત્તે મોટું આયોજન પણ કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે કોરોના મહામારીના કારણે જાહેર સ્થળોએ સભા, સરઘસ અને મેળાવડા ન કરવા અંગે સરકાર દ્વારા પરિપત્ર બહાર પડવામાં આવ્યો છે. જેથી સરકારી ગાઇડલાઇનનું ચોક્કસ પાલન થાય અને લોકો કોરોનાના સંક્રમણથી બચી શકે તેવા ઉદ્દેશ્ય સાથે દિનકર સેવા સમિતિ દ્વારા છઠ્ઠ પૂજા સામારોહના ભવ્ય આયોજનને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો સાથે જ દરેક પરિવાર પોતાના ઘરે કૃત્રિમ કુંડ બનાવી પરિવાર સાથે ઘરે જ છઠ્ઠ પૂજાની ઉજવણી કરે તેવો પણ અનુરોધ કરવામાં આવ્યો છે.