Connect Gujarat
Featured

ભરૂચ : મરહુમ સાંસદ અહમદ પટેલની વર્તાઇ ખોટ ? કોંગી ઉમેદવારોએ મેન્ડેટ વિના જ નોંધાવી ઉમેદવારી

ભરૂચ : મરહુમ સાંસદ અહમદ પટેલની વર્તાઇ ખોટ ? કોંગી ઉમેદવારોએ મેન્ડેટ વિના જ નોંધાવી ઉમેદવારી
X

ભરૂચ જિલ્લામાં કોંગ્રેસની નેતાગીરી સાંસદ અહમદ પટેલના નિધન બાદ કસહિન પુરવાર થઇ રહી છે. ભાજપની જેમ કોંગ્રેસ ઉમેદવારોની યાદી પણ જાહેર કરી શકી ન હતી. સંભવિત વિરોધ કે બળવાને ખાળવા માટે ઉમેદવારોને મેન્ડેટ વિના જ ઉમેદવારીપત્રો ભરાવી દેવામાં આવ્યાં હતાં.

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો શનિવારે અંતિમ દિવસ હતો. ભાજપે બે દિવસ પહેલાં ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી હતી જેની સામે કોંગ્રેસે યાદી જ બહાર પાડી ન હતી. અંકલેશ્વર નગરપાલિકામાં જહાંગીર પઠાણે પક્ષના મેન્ડેટ વિના જ પેનલ સાથે ઉમેદવારી નોંધાવી સૌને ચોંકાવી દીધાં હતાં. આજે શનિવારના રોજ અંતિમ દિવસે નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોના કોંગી ઉમેદવારોએ મેન્ડેટ વિના જ ઉમેદવારી નોંધાવી છે. ભાજપની સામે કોંગ્રેસની સ્થાનિક નેતાગીરી કસહિન સાબિત થઇ છે. રાજયસભાના સાંસદ મરહુમ અહમદ પટેલની ખોટ વર્તાઇ રહી હોય તેમ લાગી રહયું છે. ભાજપના ફુલપ્રુફ આયોજન સામે કોંગ્રેસ નવા નિશાળીયાની જેમ કામગીરી કરી રહી હોવાની રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકામાં કોંગ્રેસના મોટાભાગના ચહેરાઓ રીપીટ થયાં છે. આવી જ સ્થિતિ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પણ જોવા મળી રહી છે. ગત ટર્મમાં ભરૂચ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને બીટીપીના ગઠબંધનનું શાસન હતું પણ આ વખતે બીટીપીએ એઆઇએમઆઇએમ સાથે જોડાણ કરતાં કોંગ્રેસની હાલત કફોડી બની છે. બીજી તરફ ભાજપ જિલ્લા પંચાયત બહુમતી સાથે કબજે કરવા એડીચોટીનું જોર લગાવી રહી છે..

Next Story