ભરૂચઃ મેઘમેળા તરીકે ઓળખાય છે આ મેળો, મેઘ મહેર વચ્ચે પણ લોકોએ ઉઠાવ્યો મેળાનો આનંદ

New Update
ભરૂચઃ મેઘમેળા તરીકે ઓળખાય છે આ મેળો, મેઘ મહેર વચ્ચે પણ લોકોએ ઉઠાવ્યો મેળાનો આનંદ

સમગ્ર જીવસૃષ્ટિ જેના ઉપર આધારિત છે એવા વરસાદના દેવ મેઘરાજાની સ્થાપના અને ૨૫ દિવસનું આતિથ્ય માણ્યા પછી તેમના વિસર્જન સાથે સંકળાયેલ “મેઘમેળો” વિશ્વમાં માત્ર ભરૂચ નગર ખાતે ભરતો હોવાની માન્યતા છે. દક્ષિણ ગુજરાતમાં આધ્યાત્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવતાં ભરૂચ નગરમાં ભરતો આ મેઘમેળો માત્ર ભરૂચમાં જ નહીં પણ ગુજરાત અને ગુજરાત બહારના લોકો માટે પણ આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર ધરાવતા આ “મેઘમેળા”ની શરૂઆત છપ્પનિયા દુકાળ વખતે થઈ હોવાની માન્યતા છે.

આજરોજ દિવસભર વરસાદ વચ્ચે પણ લોકોએ મેઘમેળામાં મહાલવાનો આનંદ માણ્યો હતો. નગરજનો અને જિલ્લાભરમાંથી ઉમટેલા લોકોએ મેળાને માણ્યો હતો.

અંદાજે ૨૫૦ વર્ષ પહેલાં જયારે આ પંથક ઉપર દુષ્કાળના એંધાણ વર્તાયા હતાં. ત્યારે નર્મદા નદી અને તેમાં ચાલતા વાહન-વ્યવહાર સાથે સંકળાયેલા ભોઈ સમાજે મેઘરાજાની સ્થાપના કરી તેમને મેઘ મહેર કરવાની પ્રાર્થના કરી હતી. જો કે અનેક દિવસોની પ્રાર્થના અને પૂજા-ભક્તિ પછી પણ મેઘરાજા મહેરબાન ન થતાં મૂર્તિ વિસર્જનનું આયોજન કરાયું હતું. આ જ સમયે મેઘરાજાની પધરામણી થતાં ત્યારથી લઈને આજસુધી મેઘરાજાની સ્થાપના અને આતિથ્ય માણ્યા પછી તેમના વિસર્જનનો ઉત્સવ મનાવાઇ રહ્યો છે.

આ ઉત્સવનો પ્રારંભ અષાઢ મહિનાના અંતિમ દિવસથી થાય છે. અષાઢ વદ અમાસ જે દિવાસા તરીકે પ્રચલિત છે. તેની રાતે મેઘરાજાની મૂર્તિ બનાવવાનો આરંભ કરાય છે.

ભરૂચમાં ભોઈ સમાજના મહાનુભાવો કે જે પૈકીના કોઈપણ મૂર્તિકાર નથી તેવા લોકો આ મૂર્તિનું નિર્માણ કરે છે. નદીની કાળી માટી અને ગોબરના મિશ્રણમાંથી આ મૂર્તિ બનાવવામાં આવે છે. આ કાર્ય સીમિત માત્રામાં ઉપસ્થિત ભક્તોની હાજરીમાં જ કરવામાં આવે છે. ટુકમાં એમ કહેવાય કે આ કામગીરી ગુપ્ત રીતે કરવામાં આવે છે. જેની તસ્વીર કે વીડિઓ ફૂટેજ બહાર આવી નથી.

અષાઢ વદ અમાસની રાતે મૂર્તિનું સર્જન કર્યાં પછી શ્રાવણ સુદ પાંચમ (નાગપંચમી)ના દિને મેઘરાજાની પ્રતિમાને નાગપાઘ (પાઘડી) અને હાથ ઉપર પણ નાગનું સ્થાપન કરવામાં આવે છે. ત્યારબાદ શ્રાવણ સુદ પુનમ અર્થાત રક્ષાબંધનની આગલી રાતે મેઘરાજાની પ્રતિમાને વસ્ત્ર પહેરાવવામાં આવે છે. ચળકતા કાગળ, વસ્ત્ર અને કેનવાસની મદદથી તેમના વસ્ત્ર અને આભૂષણો બનાવી તેમેણે પહેરાવવામાં આવે છે.

આ સર્જન અને કામગીરી પણ સમાજના લોકો જ કરે છે. ખરા અર્થમાં મેઘઉત્સવનો પ્રારંભ બળેવ અર્થાત રક્ષાબંધનના દિનથી થાય છે. ત્યારબાદ શ્રાવણ વદ છઠ (રાંધણ છઠ)ના દિને તેમના વસ્ત્રો બદલવામાં આવે છે. આ સમયે નાગપાઘના સ્થાને સોનેરી અને રત્નજડિત મુગટ પહેરાવવામાં આવે છે. આ પછી છઠ થી દસમ સુધી આ જગ્યાએ મેળો ભરાય છે જે “મેઘમેળા” તરીકે ઓળખાય છે અને દસમાના દિવસે બપોર પછી મેઘરાજાની યાત્રા કાઢવામાં આવે છે. આમ ૨૫ દિવસ સધી (અષાઢ વદ અમાસ થી શ્રાવણ વદ દસમ) ભરૂચ નગરનું આતિથ્ય માણ્યા પછી બીજા વર્ષે પુનઃ પધારવાની ખાતરી-માંગણી સાથે પ્રતિમાનું વિસર્જન કરાય છે.

Latest Stories