ભરૂચ શહેર તથા જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યાં છે ત્યારે RT-PCR ટેસ્ટને લઇ ચોંકાવનારો ખુલાસો થયો છે. 15 લાખથી વધુ લોકોની વસતી ધરાવતાં ભરૂચ જિલ્લામાં કોરોનાના ટેસ્ટીંગ માટે એક પર સરકારી લેબોરેટરીની સુવિધા હાલ ઉપલબ્ધ નથી.
ગુજરાતમાં વકરતી જતી કોરોનાની સ્થિતિના કારણે હાઇકોર્ટે સુઓમોટો કરી હતી. સુઓમોટોની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે સરકારને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, રાજયમાં RT-PCR ટેસ્ટના રીપોર્ટ કેમ દર્દીઓને ત્રણ કે ચાર દિવસ બાદ મળી રહયાં છે જયારે વીઆઇપીઓને રીપોર્ટ તરત મળી જાય છે. હાઇકોર્ટના વેધક સવાલ બાદ રાજય સરકારે ડાંગ સિવાયના તમામ જિલ્લાઓમાં RT-PCRના ટેસ્ટ માટે સરકારી લેબોરેટરી હોવાનો દાવો કર્યો હતો.
સરકારનો આ દાવો ભરૂચમાં જ પોકળ સાબિત થયો છે. ભરૂચ જિલ્લાની 15 લાખ લોકોની વસતી સામે એક પણ સરકારી લેબોરેટરી નથી. સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરી ઉભી કરવામાં આવી છે પણ તે 20મી તારીખ પછી કાર્યરત થાય તેમ આર.એમ.ઓ એ જણાવ્યું છે. ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચમાં રોજના સરેરાશ 150 કરતાં વધારે પોઝીટીવ કેસ આવી રહયાં છે અને રોજના સરેરાશ 15 લોકોના મૃત્યુ થઇ રહયાં છે. જો દર્દીઓને RT-PCR ટેસ્ટનો રીપોર્ટ ઝડપથી મળી જાય તો તેમની સારવાર ઝડપથી શરૂ થઇ શકે તેમ છે.
હવે તમને જણાવીએ કે RT-PCR ટેસ્ટ શું છે અને તેના કયાં માપદંડોના આધારે કોરોના છે કે કેમ તે નકકી થાય છે.CT સ્કોર સ્વેબ સેમ્પલમાં હાજર વાયરલ લોડથી વિપરિત પ્રમાણસર હોય છે. એટલે કે જો CT કાઉન્ટ ઓછા છે તો વાયરલ જેનેટિક મટિરિયલની સઘનતા વધુ હશે. CT કાઉન્ટ જો 35થી ઓછા છે તો તેને કોરોના પોઝિટિવ માનવામાં આવે છે અને જો CT કાઉન્ટ 35થી વધુ છે તો તેને કોરોના નેગેટિવ માનવામાં આવે છે.એકેડેમિકલી CT વેલ્યુ સંક્રામકતા દર્શાવે છે. 12 CT સ્કોરવાળા દર્દી વધુ સંક્રમિત હોય છે. તેઓ દ્વારા સંક્રમણ ફેલાવાની આશંકા વધુ રહેલી છે. 32 CT સ્કોરવાળા દર્દી પણ કોરોના પોઝિટિવ હોય છે પણ તેનો વાયરલ લૉડ ઓછો હોય છે. ભરૂચમાં પણ કોરોના ટેસ્ટ કરાવવા માટે સવારથી સિવિલ હોસ્પિટલ તથા ખાનગી લેબોરેટરીની બહાર લોકોની કતાર લાગી રહી છે. આવા સંજોગોમાં ભરૂચ સિવિલ ખાતે આવેલી લેબોરેટરી ઝડપથી કાર્યરત કરવામાં આવે તે જરૂરી છે.