Connect Gujarat
ગુજરાત

ભરૂચ : કતોપોર બજાર ખાતે ભરાતું રવિવારી બજાર કરાવાયું બંધ, જુઓ પછી વેપારીઓએ શું કર્યું

ભરૂચ : કતોપોર બજાર ખાતે ભરાતું રવિવારી બજાર કરાવાયું બંધ, જુઓ પછી વેપારીઓએ શું કર્યું
X

ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી હોય આમ આદમી પાર્ટી, રાજકીય પાર્ટીઓના કાર્યકરો કોરોના વાયરસની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન કરી રહયાં છે. તો બીજી તરફ નાના વેપારીઓને કોરોનાના નામે રંજાડવામાં આવતાં હોવાથી ભરૂચમાં વેપારીઓએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું...

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીના માહોલ વચ્ચે કોરોનાની ગાઇડલાઇન માત્ર નામ પુરતી રહી ગઇ હોય તેમ લાગી રહયું છે. દવાઇ નહિ તબ તક ઢીલાઇ નહિ, દો ગજ કી દુરી સહિતના સ્લોગનો હવે રાજકીય પાર્ટીના કાર્યકરોને લાગુ પડતાં ન હોય તેમ લાગી રહયું છે. ચુંટણી ટાણે હજારોની સંખ્યામાં કાર્યકરો પ્રચાર માટે અથવા ફોર્મ ભરવા નીકળી રહયાં છે. સામાન્ય માણસે માસ્ક ન પહેર્યું હોય તો એક હજાર રૂપિયાનો દંડ લેવામાં આવે છે પણ રાજકીય પાર્ટીઓના કાર્યકરો સામે પોલીસ અને વહીવટીતંત્ર હાથ પર હાથ નાંખી બેસી જાય છે. આ કારણે રાજયભરમાં સામાન્ય લોકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે. ભરૂચના કતોપોર બજાર ખાતે દર રવિવારે હાટબજાર ભરાય છે અને તેમાં સ્થાનિક ઉપરાંત આસપાસના ગામોમાંથી લોકો ખરીદી કરવા આવતાં હોય છે. હાટ બજારમાં સસ્તી વસ્તુઓ મળતી હોવાથી લોકોની ભીડ રહે છે. રવિવારના રોજ પોલીસે કોરોનાનું કારણ આગળ ધરી રવિવારી બજાર બંધ કરાવતાં હોબાળો મચી ગયો હતો. રોષે ભરાયેલાં વેપારીઓ સીધા નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યાં હતાં પણ હાલ ચુંટણી હોવાથી ત્યાં કોઇ હાજર ન હતું જેથી વેપારીઓએ પાલિકા કચેરીની સામે જ રસ્તા રોકો આંદોલન શરૂ કરી દીધું હતું. જો રાજકીય પાર્ટીના કાર્યકરોને છુટ મળતી હોય તો અમારૂ બજાર પણ ચાલવા દેવું જોઇએ તેવો બળાપો વેપારીઓએ ઠાલવ્યો હતો.

Next Story