જંબુસરથી પાદરા જતાં રોડ પર આવેલાં અણખી ગામ પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં આમોદના બે આશાસ્પદ યુવાનોના મોત થયાં છે. જંબુસરથી પાદરા જવાના રોડ પર અણખી ગામ પાસે બાઇકને હાઇવાએ ટકકર મારી હતી. બાઇક પર સવાર બંને યુવાનો આભોર તરફથી આવી રહયાં હતાં. હાઇવાની ટકકરે બે યુવાનો પૈકી એકનું ઘટનાસ્થળે મોત થયું હતું જયારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચી હતી. મૃતક યુવાનનું નામ રવિ ભરત પરમાર જયારે ઇજાગ્રસ્તનું નામ પરેશ રણા હોવાનું બહાર આવ્યું હતું. અકસ્માતમાં ઘવાયેલાં પરેશ રણાનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક બંને યુવાનો ભરૂચ જિલ્લાના આમોદના રહેવાસી હતાં. સદર ઘટનાની જાણ આમોદ ખાતે રહેતા પરિવારોને થતા પરિવારના માથે જાણે આભ તૂટી પડ્યું હતું. જંબુસર પોલીસે હાઇવાના ડ્રાયવર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.