Connect Gujarat
ભરૂચ

AAPના MLA ચૈતર વસાવા ભૂગર્ભમાં છે, કેમ ભાઈ... સાચા હોવ તો હાજર થાઓ : સાંસદ મનસુખ વસાવા

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદના પગલે છેલ્લા એક મહિનાથી ડેડીયાપાડા વિસ્તારના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે

X

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદના પગલે છેલ્લા એક મહિનાથી ડેડીયાપાડા વિસ્તારના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે, ત્યારે મામલે ગંગાપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા જાહેરમાં વિરોધીઓ પર વિફર્યા હતા.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની એક સમર્થક મહિલાએ ધારાસભ્યની આ ફરિયાદ માટે સાંસદ મનસુખ વસાવાને સોશિયલ મીડિયા પર જવાબદાર ઠેરવીને ટિપ્પણી કરી હતી. જેની સામે ડેડીયાપાડાના ગંગાપુર ખાતે ભારત વિકાસ યાત્રાના કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં ખોટી સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરતા લોકોની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, ફોરેસ્ટના કર્મીઓએ ફરિયાદ નોંધાવી છે, અને ફરિયાદ થઈ એટલે પોલીસ સમક્ષ હાજર થવું પડે છે. પરંતુ AAPના ધારાસભ્ય ભાગતા ફરે છે. એમાં હું શું કરવાનો, હું કઈ જાણતો પણ નથી. આ ફરિયાદ કોઈ દબાણમાં નથી લખાવી કે, અમે કોઈથી ડરી ગયા નથી. જેને લડવું હોય તે મેદાનમાં આવી શકે છે. મારામારીની ફરિયાદ એ એક ઘટના છે, સરકારને કોઈ લેવાદેવા નથી. આ સાથે જ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીને પણ નામ જોગ જાહેર મંચ પરથી એલાન કરી કહ્યું હતું કે, લડવું હોય તો મેદાનમાં આવો, નહીં તો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ઉભો રાખજો, લોકસભામાં કેટલા મતો મળે છે તે ખબર પડશે. રાજકીય વાતો વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ સમાજને દુષણોમાંથી મુક્ત કરવા, વ્યસનો છોડવા, આદિવાસી સમાજમાં શિક્ષણ વધારવા લોકોને વ્યક્તિગત મળીને વિનંતી કરી હતી.

Next Story