Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નેશનલ હાઈવે પર વાલિયા ચોકડીથી ખરોડ ચોકડી સુધી સર્જાયો ભારે ટ્રાફિકજામ, અનેક વાહનચાલકો અટવાયા…

ટ્રાફિકની સમસ્યા વિકટ બનતા હાઇવે પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે

X

બિસમાર રસ્તા અને ટ્રાફિકના ભારણના કારણે દિલ્લી-મુંબઈ નેશનલ હાઇવે ઉપર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા કરે છે, ત્યારે આજે સતત ત્રીજા દિવસે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર વાહનચાલકોને ટ્રાફિક જામની પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાહનચાલકોને સતત ત્રીજા દિવસે પણ ટ્રાફિક જામની પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ સિક્સ લેન રોડ દેશના અતિવ્યસ્ત માર્ગની ગણતરીમાં આવે છે, જ્યાં ટ્રાફિક જામની સમસ્યાઓ દેશના અર્થતંત્રને પણ વધુ અસર કરે છે. મુંબઈ-દિલ્લીને જોડતો હાઇવે પર 7થી વધુ ઔદ્યોગિક વસાહત અને ગોલ્ડન કોરિડોરમાંથી પસાર થાય છે. ઔદ્યોગિક એકમોના તૈયાર ઉત્પાદનો એક્સપોર્ટ માટે પોર્ટ સુધી આ માર્ગ દ્વારા મોકલવામાં આવે છે. જોકે, રો-મટીરીયલ પણ આ માર્ગ પરથી જ લાવવામાં આવે છે. વાહન વ્યવહાર થંભી જવાથી અથવા ધીમો પડવાથી આંતરરાષ્ટ્રીય વેપારમાં કન્સાઇન્મેન્ટ મોડા પડે છે.

આ બાબતની અસર અર્થતંત્ર ઉપર પડી રહી છે. નેશનલ હાઇવે નં. 48 દેશની રાજધાની દિલ્લીને આર્થિક રાજધાની મુંબઈ સાથે જોડે છે, ત્યારે સતત ત્રીજા દિવસે ટ્રાફિકની સમસ્યા યથાવત રહેતા અંકલેશ્વર નજીક વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. તો બીજી તરફ, નર્મદા મૈયા બ્રિજ એક્સીડેન્ટ ઝોન બની જતા અહીં વાહનચાલકો માટે પડકારજનક સ્થિતિ સર્જાય છે. ટ્રાફિકની સમસ્યા વિકટ બનતા હાઇવે પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે, અહીં ટ્રાફિકનું મુખ્ય કારણ ટ્રાફિક નિયમોનો ભંગ નહીં, પરંતુ બિસ્માર રસ્તા હોવાના કારણે પોલીસ પણ લાચારી વ્યક્ત કરે છે.

Next Story