Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નિરાંત નગરમાં જુના મકાનને તોડવાની કામગીરી વેળા સ્લેબ ધરાશાયી, કાટમાળ નીચે દબાતા શ્રમિકનું મોત…

દબાયેલા શ્રમિકને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, ભારે ભરખમ બીમ સહિતનો સ્લેબ પર તૂટી પડતાં શ્રમિકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું

અંકલેશ્વર : નિરાંત નગરમાં જુના મકાનને તોડવાની કામગીરી વેળા સ્લેબ ધરાશાયી, કાટમાળ નીચે દબાતા શ્રમિકનું મોત…
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં નિરાંત નગરમાં આવેલ જુના મકાનને તોડવાની કામગીરી સમયે અચાનક દાદરનો બીમ સહિતનો સ્લેબ ધરાશાયી થતા કાટમાળ નીચે દબાઈ જતાં એક શ્રમિકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના નિરાંતનગર સોસાયટીમાં એન. 3 નંબરના જુના મકાનને શ્રમિકો મારફતે તોડવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન શ્રમિકો મકાનના એક ભાગને તોડી રહ્યા હતા, ત્યારે મકાનના દાદરનો ભાગ બીમ સાથે સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. આ સમયે ત્યાં નીચે કામ કરતા ભરૂચ તાલુકાના ઝંગાર ગામના શ્રમિક વિજય રામસીંગ વસાવા પર પડતા તે કાટમાળ નીચે દબાઈ ગયો હતો.

જેથી કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. આ સમયે ઘભરાઈ ગયેલા શ્રમિકોએ બૂમાબૂમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા. આ બાબતે નગરપાલિકાના ફાયરને જાણ કરતા તાત્કાલિક પાલિકાની ફાયર ટીમ સ્થળ પર દોડી આવી હતી, જ્યાં સિમેન્ટ, કોન્ક્રીટના કાટમાળ નીચે દબાયેલા વિજય વસાવાને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, ભારે ભરખમ બીમ સહિતનો સ્લેબ પર તૂટી પડતાં શ્રમિકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story