Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા 5 સરકારી શાળાના 1500 વિદ્યાર્થીઓને ગણવેશનું કરાયું વિતરણ, મૂલ્યવર્ધક શિક્ષણનો કોર્સ શરૂ કરવાની જાહેરાત

અંકલેશ્વરના પ્રો લાઈફ ગ્રૂપ દ્વારા વધુ એક સેવાકાર્ય કરવામાં આવ્યું છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે પ્રો લાઈફ ગ્રૂપ દ્વારા અંકલેશ્વરની 5 સરકારી શાળાના 1500 જેટલા વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું

X

અંકલેશ્વરના પ્રો લાઈફ ગ્રૂપ દ્વારા વધુ એક સેવાકાર્ય કરવામાં આવ્યું છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે પ્રો લાઈફ ગ્રૂપ દ્વારા અંકલેશ્વરની 5 સરકારી શાળાના 1500 જેટલા વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર અને પાનોલીમાં કાર્યરત પ્રો લાઈફ ગ્રૂપ દ્વારા તેમની સામાજિક જવાબદારીના ભાગરૂપે વિવિધ સેવાકાર્યો કરવામાં આવે છે. પ્રો લાઈફ ગ્રૂપના સ્થાપક સ્વર્ગીય M.S.જોલીની પ્રેરણાથી વધુ એક સેવાકાર્ય કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરની વિવિધ સરકારી શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંગેનો કાર્યક્રમ અંકલેશ્વર તાલુકાના ખરોડ,ભાદી,બાકરોલ,સંજાલી અને ઉમરવાડા ગામની સરકારી શાળામાં યોજાયો હતો. આ પ્રસંગે પ્રો લાઈફ ગ્રૂપના M.D.કરણસિંગ જોલી, પ્રો લાઈફગ્રૂપના ડિરેક્ટર યોગેશ પારિક,ખરોડ ગામના સરપંચ ફૈઝલ કાઝી,ડે.સરપંચ ઈમરાન લહેરી, સામાજિક આગેવાન ઇબ્રાહિમ લહેરી,ભાદી ગામના સરપંચ જૂનેદ વડીયા, ખરોડ ગામની શાળાના આચાર્ય ભાવિક પટેલ, ભાદી ગામની શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ, બાકરોલ ગામના સરપંચ મનસુખ વસાવા,ડે.સરપંચ અંકિતભાઈ તેમજ સંજાલી અને ઉમરવાડા ગામની શાળાના મુખ્ય શિક્ષણ અને શાળાપરિવાર તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આગેવાનોના હસ્તે શાળાના બાળકોને પ્રતિકાત્મક રીતે ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રો લાઈફ ગ્રૂપ દ્વારા અંકલેશ્વર તાલુકાનાં 5 ગામ ગામની પ્રાથમિક શાળાના 1500 જેટલા વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રો લાઈગ ગૃપના M.D.કરણસિંગ જોલીએ જણાવ્યુ હતું કે પ્રો લાઈફ ગ્રૂપ દ્વારા બાળકો માટે આ એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે. યુનિફોર્મ પહેરવાથી શાળામાં કોઈ ઉચ નીચની ભાવના રહેતી નથી. દરેક બાળકો અહી શિક્ષણ મેળવવા આવે છે ત્યારે આ યુનિફોર્મ થકી તેઓમાં સમાનતાનો ગુણ કેળવાશે.આ સાથે જ તેઓ દ્વારા આ તમામ 5 શાળામાં બાળકોને મૂલ્યવર્ધક શિક્ષણ મળી રહે એ માટે એક અલાયદો કોર્સ પણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે પ્રો લાઈફ ગ્રૂપ દ્વારા પ્રથમવાર આ પ્રકારનું શિક્ષણ આપવાનો અભિગમ આપનાવવામાં આવ્યો છે.આ અંગેની માહિતી આપતા પ્રો લાઈફ ગૃપના ડાયરેક્ટર યોગેશ પારિકે જણાવ્યુ હતું કે શાળામાં અભ્યાસ કરતાં બાળકોને નાની ઉમરથી જ કેળવવામાં આવે તો તેઓ મોટા થઈને સારા નાગરિક બની શકે છે. મૂલ્યવર્ધક શિક્ષણમાં બાળકોને કેવી રીતે વર્તન કરવું, વડીલો સાથે કેવી રીતે વાત કરવી,સફળતા અને નિષ્ફળતાને કેવી રીતે પચાવવી એ સહિતનું માર્ગદર્શન શિક્ષિકા યાસ્મિન શેખ દ્વારા આપવામાં આવશે અને આ કાર્યક્રમ આગામી સમયમાં તમામ 5 શાળામાં શરૂ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા સમાજના ઉત્થાન માટે વિવિધ સેવા કાર્યો કરવામાં આવે છે.તાજેતરમાં જ પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને હવે શિક્ષણ ક્ષેત્રે પણ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

Next Story