/connect-gujarat/media/post_banners/8af39ae33a34c69e08030188c2784ab1c98b658977003d449a06f357644ee3a8.jpg)
અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામે 35 વર્ષીય પરિણિત મહિલાની તેનાં જ પતિએ હત્યા કરતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો ત્યારે પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામ ખાતે આવેલ ન્યુ ધંતુરીયા ઇન્દિરા આવાસમાં રહેતી 35 વર્ષીય પરિણિત મહિલા રાત્રીના સમયે પોતાના ઘરે હતી. આ દરમિયાન તેના પતિ રણજીત વસાવાએ તેણીના ચારિત્ર્ય વિશે ખોટો વહેમ રાખી તેની સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડા દરમિયાન એકાએક ઉશ્કેરાયેલા રણજીત વસાવાએ પરિણીતાને કુહાડીના ઘા ઝીંકી દઈ મોતને ઘાટ ઉતારી હતી. જે બાદ ઘટનાને અંજામ આપી પતિ રણજીત વસાવા સ્થળ પરથી ફરાર થઈ જતા સ્થાનિકો દ્વારા મામલા અંગેની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે કરવામાં આવી હતી. અંકલેશ્વર રૂરલ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ પરિણીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.આ મામલે ગુનો નોંધાયા બાદ ગણતરીના જ કલાકોમાં પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.