ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે નગરપાલિકા દ્વારા 2 અલગ અલગ વોર્ડમાં રૂપિયા 10 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામનાર વિકાસ કાર્યોનું પાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જનતાની સુખાકારી માટે વિવિધ યોજનાઓનો લાભ નગરપાલિકામાં આવતા દરેક વોર્ડમાં દરેક લોકો સુધી પોહોચે તે હેતુથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર અને નગરપાલિકાની ગ્રાન્ટમાંથી જનતાને મળવા પાત્ર માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે નગરપાલિકા દ્વારા રોડ રસ્તા સહિતની કામગીરીઓ કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 2માં આવેલ હરીનગર વિસ્તાર અને વોર્ડ નંબર 5માં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના હસ્તી તળાવ વિસ્તારમાં રૂપિયા 10 લાખના ઉપરાંતના ખર્ચે પેવર બ્લોક અને આરસીસી રોડનું ખાતમુહૂર્ત અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત વોર્ડના સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.