/connect-gujarat/media/post_banners/0b8adf50026e2da3e8e9565555ca712491875ae375659b7ca11914c5664348ad.webp)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં રાજ્ય ધોરીમાર્ગ પર છાસવારે અકસ્માતો સર્જાતા રહે છે. આજરોજ તાલુકાના રાજપારડીથી આગળ સારસા ગામ નજીક ઉમધરા ત્રણ રસ્તા પાસે ઉમલ્લા તરફથી આવતી એક રેતી ભરેલ ટ્રકે માર્ગ ઓળંગતી ગાયોને અડફેટમાં લઇને અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં ગાયો ઇજાગ્રસ્ત થઇ હતી.
અકસ્માત બાદ ગાયો ભડકીને તેમના પડાવ તરફ દોડી ગઇ હતી જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયેલ ગાય રોડ પર બેઠેલી હાલતમાં જોવા મળી હતી. લાખાભાઇ ભરવાડ નામના પશુપાલક તેમની દસ ઉપરાંત ગાયોને લઇને પડાવ તરફ જઇ રહ્યા હતા ત્યારે ઉમલ્લા તરફથી આવી રહેલ રેતી ભરેલ ટ્રકના ચાલકે ગાયોના ટોળાને અડફેટમાં લીધુ હતું.ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે આ સ્થળે અવારનવાર નાનામોટા અકસ્માત થતાં રહે છે. બેફામ દોડતા વાહનોની ઝડપ પર અંકુશ મુકવા સારસા બસ સ્ટેન્ડ અને ઉમધરા ત્રણ રસ્તા પાસે ધોરીમાર્ગ પર સ્પિડ બ્રેકરો બનાવાય એવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.આ સ્થળ પર ભુતકાળમાં પણ ઘણા અકસ્માતો થયા છે જે પૈકી ઘણાં અકસ્માતો જીવલેણ પણ સાબિત થયા હતા.