શ્રી સત્ય સાંઈબાબાની 97મી વર્ષગાંઠ નિમિતે ભરૂચના નંદેલાવ રોડ પર જવાનગર નગર નજીક આવેલ શ્રી સત્ય સાઇ સેવા સમિતિ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી સત્ય સાંઈબાબાની આજરોજ 97મી વર્ષગાંઠ નિમિતે ભરૂચ સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે, રક્તદાન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. લોહીમાં આયર્નનું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે, ત્યારે નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્નનું પ્રમાણ પણ ઘટે છે. જેનાથી હાર્ટ અટેકની શક્યતા ઓછી થઈ જાય છે. આ ઉપરાંત રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ ઘટાડો થાય છે. રક્તદાનથી ફક્ત દર્દીને જ નહીં પરંતુ દર્દી ઉપર નિર્ભર પુરા પરિવારને સહિત સમાજને મદદરૂપ થઇ શકાય છે.
ભરૂચ શહેરના શ્રી સત્ય સાઇ સેવા સમિતિ દ્વારા ભજન, અભ્યાસ વર્તુળ, નગર સંકીર્તન, બાલ વિકાસ વર્ગો, યોગ વર્ગ અંગેની તાલીમ સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, ત્યારે આજરોજ યોજાયેલ રક્તદાન શિબિરમાં શ્રી સત્ય સાંઈ સેવા સમિતિના પ્રમુખ વિજય આચાર્ય તેમજ સભ્યો સહિત મોટી સંખ્યામાં રક્તદાન કરનાર દાતા ઉપસ્થિત રહ્યા હતા.