ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ જવાહરનગર સોસાયટીના બંધ મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર ગ્રામ પંચાયતની હદમાં આવેલ જવાહરનગર સોસાયટીના એક બંધ મકાનમાં અચાનક આગ લાગતા લોકોમાં ભારે નાશભાગ મચી હતી. સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં રહેલા મકાનમાં અચાનક ધુમાડા દેખાતા સ્થાનિકો મકાન નજીક દોડી આવી જોતા આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું. જેને પગલે સોસાયટીના રહીશોએ નગરપાલિકાના ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો.
બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ગણતરીના કલાકોમાં જ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે મકાનમાં કોઈ રહેતું ન હોવાથી જાનહાનિ ટળી હતી. જોકે, મકાનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું લોકોએ અનુમાન લગાવ્યું હતું.