અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભરૂચ શહેર તથા જીલ્લામાં નોનવેજની તમામ દુકાનો બંધ કરાવવાની માંગ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને વધાવવા આમ આદમી પાર્ટી પણ આગળ આવી છે.જેમાં અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભરૂચ શહેર તથા જીલ્લામાં નોનવેજની દુકાનો બંધ રાખવાની માંગ સાથે ભરૂચ ક્લેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું હતું. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, આગામી તા. 22મી જાન્યુઆરી-2024ના શુભદિવસે, પ્રભુ શ્રી રામલલ્લાનું બાળ સ્વરૂપ નૂતન રીતે શ્રીરામ જન્મભૂમિ ઉપર બની રહેલ નવું મંદિર જેના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણપ્રતિષ્ઠા થશે. આ નવનિર્મિત થયેલ મંદિરમાં પ્રભુ શ્રી રામ બિરાજમાન થનાર છે. જેથી સમગ્ર ભારતના સનાતની નાગરિકો દ્વારા ભજન-કીર્તન, આરતી, પૂજા-પાઠ-જાપ, રામરક્ષા સ્રોત, હનુમાન ચાલીસા તેમજ સુંદરકાંડથી સમગ્ર ભારતનું આખેઆખું વાતાવરણ સાત્વિક, ભક્તિમય તેમજ રામમય બની જશે. આ દિવસે તમામ હિંદુઓ પ્રભુ શ્રી રામ ભગવાનની પૂજા અર્ચના મહાપર્વ દિવાળીની જેમ ઉજવણી કરવાના છે. આમ પ્રભુ શ્રી રામ જન્મભૂમિમાં શ્રી રામલલ્લા ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા થનાર હોય જેથી એ દિવસે ભરૂચ શહેર તથા જીલ્લામાં તમામ નોનવેજની દુકાનો, લારીઓ તેમજ કતલખાનાઓ બંધ રાખવા અંગે જરૂરી હુકમો કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.