ગુજરાત હાઇકોર્ટ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં ICU વિભાગને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા સહિતના અન્ય આદેશ અપાતાં ભરૂચ અને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલોના તબીબોએ રાજ્યવાપી હડતાળને સહયોગ આપી વિરોધ નોંધાવ્યો હતો.
રાજ્યભરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ખાનગી હોસ્પિટલોના તબીબોએ હાઇકોર્ટ દ્વારા ICU વિભાગને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા તેમજ હોસ્પિટલ બિલ્ડીંગમાં કાચ દૂર કરવા સહિતના આદેશ કરવામાં આવ્યા છે. તેવામાં આ નિયમોનું એક સપ્તાહમાં જ પાલન કરવા માટે રાજ્યભરની હોસ્પિટલોને નોટિસ મળી રહી છે, ત્યારે આ નિર્ણયના વિરોધમાં આજરોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હડતાળનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે ભરૂચ તથા અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલના તબીબોએ પણ હડતાળ યોજી હતી.
જોકે, હડતાળના પગલે ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી સહિત ઇમરજન્સી સેવાઓ બંધ રાખવામાં આવી હતી. ભરૂચ IMAના તબીબોએ મત વ્યક્ત કર્યો છે કે, ગ્રાઉન્ડ ફ્લોર પર ICU વિભાગના અમલથી દર્દીઓમાં ચેપ તેમજ મૃત્યુનું પ્રમાણ પણ વર્તમાન દર કરતા અનેકગણું વધશે તેવી શક્યતા છે. તેવામાં સરકારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કે, તેની અન્ય કોઈ શાખાની રજૂઆતને સાંભળવામાં આવ્યા ન હતા. આગની ઘટના રોકવા હોસ્પિટલો તૈયાર છે. પરંતુ સરકારના એક પક્ષીય નિર્દેશનો સખત વિરોધ કરી જિલ્લાભરના તબીબોએ હડતાળ યોજી હતી.