આદિવાસી સમાજના મસીહા બિરાસ મુંડાની જન્મ જયંતી નિમિત્તે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચંદેરીયા ગામ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રાઇબલ ટીચિંગ એજ્યુકેશન ટ્રસ્ટ અને છોટુ વસાવા સ્પોર્ટ્સ એસોસિએશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વાલિયા તાલુકાના ચંદેરિયા ગામ ખાતે ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાની આગેવાનીમાં ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી દ્વારા આદિવાસી સમાજના મસીહા બિરાસા મુંડાની 146મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં આદિવાસી સંસ્કૃતિ અનુસાર ધાર્મિક પુજા વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ તેમજ ટ્રાઇબલ ટીચીંગ એજ્યુકેશન ટ્રસ્ટ અને છોટુ વસાવા સ્પોર્ટ્સ એસોસિએશનનું લોકાર્પણ ધારાસભ્ય છોટુ વસાવાના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ સાથે જ આદિવાસી સમાજના લોકોએ આદિવાસી સંસ્કૃતિની જાળવણી કરવી તેમજ આદિવાસી સમાજ તેમજ એસ.ટી., એસ.સી., ઓબીસી અને માઈનોરીટી સમાજે જાગૃત થવા છોટુ વસાવાએ આહવાન કર્યુ હતું.