Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મકાન પર પાલખ બાંધતી વેળા વીજ કરંટથી દાઝેલા ભાઈ-બહેનનું વડોદરામાં સારવાર દરમ્યાન મોત...

બન્ને ઇજાગ્રસ્ત શરીરે 70 ટકાથી વધુ દાઝી ગયા હોવાના કારણે ગંભીર પરિસ્થિતિમાં ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

ભરૂચ : મકાન પર પાલખ બાંધતી વેળા વીજ કરંટથી દાઝેલા ભાઈ-બહેનનું વડોદરામાં સારવાર દરમ્યાન મોત...
X

ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ રોટરી ક્લબ પાછળના વિસ્તારમાં મકાન ઉપર લોખંડની પાલખ બાંધતી વેળા ભાઈ-બહેનને વીજ કરંટ લાગતાં વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ બન્નેનું મોત નીપજ્યું હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, ગતરોજ ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રોટરી ક્લબ પાછળના ભાગના વિસ્તારમાં મકાન ઉપર લોખંડની પાલખ બાંધતી વેળા વીજ કરંટ લાગતાં ભાઈ અને બહેન ગંભીર રીતે દાઝ્યા હતા,

જ્યાં દિવાલના પ્લાસ્ટર માટે મજૂરીયાત મહેશ મહિડા તેમજ તેની સગી બેન આશા મહિડા લોખંડની પાલખ મકાન ઉપર બાંધી રહ્યા હતા. તે દરમિયાન લોખંડની પાલક થોડી ઊંચી થતા ઉપરથી પસાર થતાં જીવંત વીજ વાયર સાથે અડી જવાના કારણે ભાઈ-બહેનોને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો, અને તેઓ મકાન ઉપર જ પટકાયા હતા. બન્ને ભાઈ-બહેનને બંને હાથે તેમજ શરીર અને મોઢાના ભાગે સહિત ગંભીર રીતે દાઝી જવાના કારણે તેઓને સૌપ્રથમ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ભાઈ-બહેનને જોઈ તેમના માતા-પિતાના હૈયા ફાટક રુદનથી સિવિલ હોસ્પિટલમાં પણ ગમગીની ફેલાઈ ગઈ હતી.

જોકે, ભરૂચ સિવિલ હોસ્પિટલમાં બન્ને ભાઈ-બહેનની યોગ્ય સારવાર થઈ શકે તેવી સ્થિતિ ન હોવાના કારણે તેમજ બન્ને ઇજાગ્રસ્ત શરીરે 70 ટકાથી વધુ દાઝી ગયા હોવાના કારણે ગંભીર પરિસ્થિતિમાં ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર બાદ બન્ને ભાઈ-બહેનનું વડોદરા ખાતે કરૂણ મોત નીપજ્યું હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. બનાવના પગલે ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસે અકસ્માતે 2 લોકોના મોતનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી આરંભી છે.

Next Story