Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઝઘડિયાથી 66 KVના 5 સબસ્ટેશનનું લોકાર્પણ-ભૂમિપૂજન સંપન્ન

ઝઘડિયા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ, ભરૂચ અને સાબરકાંઠા જિલ્લામાં નિર્માણ પામેલા 66 કે.વી. ક્ષમતાના 5 વીજ સબસ્ટેશનના એક સાથે લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યા હતા.

X

સમગ્ર દેશમાં આજે એકમાત્ર ગુજરાત રાજ્ય ઉર્જા ક્ષેત્રે સમૃદ્ધ રાજ્ય બન્યું છે, ત્યારે આજે ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 41 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 66 KV સબસ્ટેશનના લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યા હતા.

ભરૂચના ઝઘડિયા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ, ભરૂચ અને સાબરકાંઠા જિલ્લામાં નિર્માણ પામેલા 66 કે.વી. ક્ષમતાના 5 વીજ સબસ્ટેશનના એક સાથે લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યા હતા. આ સબસ્ટેશન કુલ રૂપિયા 41 કરોડના ખર્ચે નિર્માણ પામ્યા છે. જે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ, ભરૂચના ઝઘડીયા, વાલિયા તથા સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના 45 ગામોના કુલ 24 હજાર જેટલા વીજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસની રાજનીતિનો પાયો નાખ્યો છે, જેનો લાભ છેવાડાના માનવી સુધી રાજ્ય સરકાર પહોંચાડી રહી છે. વિકાસમાં અવરોધરૂપી આવતા રોડા માટે પણ આપણને ઉર્જાની જરૂર પડે છે. અને આ ઉર્જા નિર્વિઘ્ને રાજ્યની તમામ પ્રજા તેમજ તમામ ક્ષેત્રોને મળી રહે તેના પ્રયાસ ગુજરાત સરકાર કરી રહી છે. આજથી 20 વર્ષ પહેલાં 2002માં રિન્યુબલ ઉર્જા 99 મેગાવોટ હતી. જે આજે 6588 મેગાવોટ ઉત્પન્ન થઇ રહી છે. રાજ્યનું વીજ ઉત્પાદન 8750 મેગાવોટ હતું, જે આજે 40138 મેગાવોટ છે. આદિવાસી વિસ્તારમાં પહેલા 3 સબસ્ટેશન હતા, જ્યારે આજે 277 સબસ્ટેશન છે. ઉપરાંત દરિયા કાંઠે 255 સબ સ્ટેશન તેમજ આદિવાસી વિસ્તારમાં 500 મોબાઈલ ટાવર ઉભા કરવામાં આવી રહ્યાં છે. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈ, ગુજરાત વિધાનસભાના ઉપદંડક દુષ્યંત પટેલ, ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, સાંસદ મનસુખ વસાવા, ભારતસિંહ પરમાર, જેટકો એમ.ડી. ઉપેન્દ્ર પાંડે, સ્નેહલ ભાસ્કર, જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી સહિતના મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story