રાજ્ય સરકાર દ્વારા સુશાસનના 5 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે જેની સામે કોંગ્રેસ દ્વારા વિરોધ નોધાવવામાં આવ્યો છે. ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
રૂપાણી સરકારના 5 વર્ષની રાજ્ય સરકાર દ્વારા સુશાસન તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે જેની સામે કોંગ્રેસ પણ સમાંતર વિરોધ કાર્યક્રમ આપી રહ્યું છે. આજરોજ રાજ્ય સરકાર દ્વારા નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેની સામે કોંગ્રેસ દ્વારા ઝાડેશ્વર ચોકડી નજીક વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
આ કાર્યક્રમમાં એ.આઈ.સી.સી.સેક્રેટરી વિશ્વરંજન મોહંતી સહિત કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો જેના પગલે પોલીસે તેઓની અટકાયત કરી હતી. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજ્ય સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે.