Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વર હાંસોટ તાલુકામાં પાછોતરા વરસાદને કારણે ડાંગરની ખેતીને વ્યાપક નુકસાન

X

અંકલેશ્વર હાંસોટ પંથકમાં ચાલુ સપ્તાહ દરમ્યાન ધરતીપુત્રો ડાંગરના પાકને કાપવાની કામગીરીમાં જોતરાયેલા છે. પાછોતરા ભારે વરસાદને કારણે આ વર્ષે સ્થાનિક ખેડૂતોને ડાંગરની ખેતીમાં દેખીતુ નુકસાન સહન કરવું પડ્યું છે. કોરોનના કારણે વર્ષ-૨૦૨૦ માનવજાત માટે કઠીન સાબિત થયું હતુ ત્યારે અન્ય આર્થિક ક્ષેત્રોની જેમ ખેતીના વ્યવસાયને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. આ વર્ષે ચોમાસાની ઋતુ આમ તો બગડી હતી પરંતુ પાછોતરા વરસાદે દેમાર બેટિંગ કરી હતી જેને કારણે અંકલેશ્વર હાંસોટ તાલુકાની હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોના ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.અંકલેશ્વર તાલુકામાં અંદાજે ૨૨૦૦ હેકટર જમીનમાં ડાંગરનો પાક લેવાયો હતો

જ્યારે હાંસોટ તાલુકામાં અંદાજે ૧૩૦૦ હેકટર જમીનમાં સ્થાનિક ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું. જેમાં જયશ્રી , ગુર્જરી, નાથપૌવા જેવી ડાંગરની જાત નો સમાવેશ થયો છે. મોટેભાગે પૌવાની બનાવટમાં ઉપયોગમાં લેવાતી ડાંગરની આ જાતો છે. આ વર્ષે પાછોતરા વરસાદને કારણે અંકલેશ્વર હાંસોટ તાલુકા ખેતરોમાં મોટા પ્રમાણમાં ડાંગરના ઉભા પાકમાં પાણી ભરાઈ જવાને કારણે ડાંગરના છોડ નમી ગયા હતા અને દાણા પાણીમાં તરતા જોવા મળ્યા હતા .ઉભા પાકની કાપણીની વેળાએ પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને કાપણીનું કામ પાછું ઠેલવવાની નોબત સર્જાઇ હતી.આ વર્ષે પ્રતિ મણ ત્રણસો રૂપિયાનો ડાંગર નો ભાવ મળ્યો હતો .આમ તો સ્થાનિક ખેડૂતો વર્ષમાં બે વાર ડાંગરનો પાક લેતા હોય છે,પરંતુ આકાશી મારને કારણે વળતર મળી શકતુ નથી.

Next Story